Deesa Fire: બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. હવે ગુજરાત સરકાર દ્વારા હાલ 18 શ્રમિકોના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. એવામાં હવે આ મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધી અહીં ફટાકડાનું ગોડાઉન હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું, ત્યારે હવે પરિવારજનોએ આ ફેક્ટરી વિશે મોટો ખુલાસો કર્યો છે. જેમાં મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, મધ્ય પ્રદેશથી સુતળી બોમ્બ બનાવવા માટે શ્રમિકોને ગુજરાત લાવવામાં આવ્યા હતાં.
મધ્ય પ્રદેશ મોકલાયા મૃતદેહો
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા અને પોસ્ટ મોર્ટમ બાદ મધ્ય પ્રદેશના સિંઘલપુરના 18 શ્રમિકોને મધ્ય પ્રદેશ મોકલવામાં આવ્યા છે. પરિવારજનોએ આ વિશે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં ફક્ત ગોડાઉન નહતું પરંતુ, ફટાકડાં બનાવવામાં આવતા હતાં. ગોડાઉનના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. મધ્ય પ્રદેશથી શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા માટે લાવવામાં આવ્યા હતાં.