Earthquake in Kutch: ગુજરાતના કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકાથી ધ્રૂજી ઉઠી છે. કચ્છમાં રવિવારે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર કચ્છમાં સવારે 10:06 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે જાન-માલના નુકસાનના સમાચાર નથી.
ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 18 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ
સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 18 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. આ મહિનામાં જિલ્લામાં ત્રણથી વધુની તીવ્રતાનો આ ત્રીજો ભૂકંપ છે. અગાઉ 23 ડિસેમ્બર અને 7 ડિસેમ્બરે પણ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 23 ડિસેમ્બરે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 7 ડિસેમ્બરે પણ ભૂકંપના કારણે કચ્છની ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી.
23 ડિસેમ્બરના રોજ પણ આવ્યો હતો ભૂકંપનો આંચકો
ઉલ્લેખનીય છે કે, 23 ડિસેમ્બરના રોજ કચ્છને અડીને આવેલી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે 3.7ની તીવ્રતાના આવેલા ભૂકંપના શક્તિશાળી આંચકાની અસર લખપત આસપાસના વિસ્તારો સુધી અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સોમવારના સવારે 10 અને 44 કલાકે લખપતથી 76 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં આવેલા પંજાબ ચોકના સાહબદીન મીઠી પ્રાંતમાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ઉદભવ્યો હતો. આ આંચકો કચ્છના લખપત,ખાવડા અને ધોરડો સુધી અનુભાવાયો હતો.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.
રિકટર સ્કેલની મદદથી ભૂકંપની તીવ્રતા મપાય છે
રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.