Fighter Plane Crashes In Jamnagar : જામનગરમાં બુધવારે બુધવારે રાતે ઇન્ડિયન એરફોર્સનું જગુઆર ફાઇટર જેટ ટ્રેનિંગ ઉડાન દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માતમાં હરિયાણાના રેવાડીના રહેવાસી 28 વર્ષીય ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા. સિદ્ધાર્થની સગાઈ માત્ર 10 દિવસ પહેલા જ થઈ હતી. તેઓ નવેમ્બરમાં લગ્ન કરવાના હતા. થોડા દિવસ પહેલા જ તે પોતાના પરિવારને મળવા રેવાડી આવ્યો હતો અને 31 માર્ચે ફરજ પર પાછો ફર્યો હતો.
સિદ્ધાર્થનો પાર્થિવ દેહ આજે રેવાડી પહોંચશે. તેમના વતન ગામમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જોકે, છેલ્લાં સમયમાં સિદ્ધાર્થ યાદવ અને તેમના કો-પાઇલટે પ્લેનની દિશા બદલીને લોકોનો જીવ બચાવ્યો. જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. કો-પાઇલટની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, પરંતું સિદ્ધાર્થે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગુજરાતના જામનગરમાં રાત્રે 9 વાગ્યે અકસ્માત થયો હતો
આ અકસ્માત 2 એપ્રિલના રોજ રાત્રે લગભગ 9:30 વાગ્યે જામનગર શહેરથી 12 કિમી દૂર સુવર્દા ગામ પાસે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિમાન જમીન પર અથડાયું અને તેમાં આગ લાગી ગઈ. કાટમાળ દૂર દૂર સુધી ફેલાયેલો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને વહીવટીતંત્રને જાણ કરી.
સિદ્ધાર્થના દાદા અને પરદાદા પણ સેનામાં હતા
ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ એક લશ્કરી પરિવારના હતા. બ્રિટિશ શાસન દરમિયાન તેમના પરદાદા પાઇલટ ટ્રેનિંગ ગ્રુપ બંગાળ એન્જિનિયર્સમાં હતા. દાદા પેરામિલિટ્રી ફોર્સમાં હતા અને પિતા સુજીત યાદવ ઇન્ડિયન એરફોર્સમાં રહી ચૂક્યા છે. ત્યાર બાદ તેમના પિતા LICમાં જોડાયા. સિદ્ધાર્થ આ પરિવારની ચોથી પેઢીના હતા જેઓ વરદી પહેરીને દેશની સેવા કરી રહ્યા હતા.
શહીદ પાઇલટ સિદ્ધાર્થનો મૃતદેહ.
2016 માં NDA પરીક્ષા પાસ કર્યા પછી, તેમણે ત્રણ વર્ષની તાલીમ લીધી અને પછી ફાઇટર પાઇલટ બન્યા. બે વર્ષની સેવા બાદ તેમને ફ્લાઇટ લેફ્ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી.
પિતાએ કહ્યું- સિદ્ધાર્થ હંમેશા દેશની સેવા કરવાનું સપનું જોતો હતો
સિદ્ધાર્થના મૃત્યુથી સમગ્ર પરિવાર અને શહેર શોકમાં છે. તેમના પિતા સુજીત યાદવે કહ્યું- સિદ્ધાર્થ હંમેશા ઉડાન ભરવાનું અને દેશની સેવા કરવાનું સપનું જોતો હતો. તે અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતો. મારા પિતા અને દાદા પણ સેનામાં હતા. હું પોતે વાયુસેનામાં રહી ચૂક્યો છું. અમને હંમેશા તેના પર ગર્વ હતો અને હજુ પણ છે, પરંતુ આ પણ દુઃખદ છે કે તે અમારો એકમાત્ર પુત્ર હતો.
વાયુસેનાએ કહ્યું- છેલ્લી ઘડીએ સમજદારી અને બહાદુરી બતાવી
વાયુસેનાના જણાવ્યા અનુસાર, આ જગુઆર ફાઇટર જેટ જામનગર એરફિલ્ડથી નાઇટ મિશન પર ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન પાઇલટ્સને ટેકનિકલ ખામીનો અનુભવ થયો.
IAF એ કહ્યું કે પાઇલટ્સે ખામી ઓળખી લીધી અને વિમાનને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી. એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે વિમાન વસ્તીવાળા વિસ્તારોને કોઈ નુકસાન ન પહોંચાડે. આ દરમિયાન એક પાઇલટ શહીદ થયો હતો, જ્યારે કો-પાઇલટની સારવાર ચાલી રહી છે.
જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થતાં દોડધામ મચી હતી. જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં એક ટ્રેઇની પાઇલટનું મોત થયું હતું. જ્યારે એકને સારવાર હેઠળ ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં જ SP, કલેક્ટર અને 108 સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સૌથી પહેલા પાણીનો મારો ચલાવી તાત્કાલીક પ્લેનમાં લાગેલી આગને કાબૂમાં લીધી અને ઈજાગ્રસ્ત પાઇલટની 108માં સારવાર શરૂ કરી દેવાઈ હતી.