Flight bomb hoax Ahmedabad : છેલ્લા એક વર્ષથી ભારતમાં ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો ટ્રેન્ડ વધ્યો છે. એવામાં આજે અમદાવાદ એરિપોર્ટ પર લંડનથી આવતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીના કારણે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. આટલું જ નહીં ધમકીના કારણે અન્ય વિમાનો પર પણ તેની અસર થઈ હતી.
નોંધનીય છે કે લંડનથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટના ટોઇલેટમાં લેટર મળ્યો હતો કે બે કલાકમાં ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જે બાદ અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ સ્કવોડ દ્વારા ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટમાં કોઈ જ વાંધાજનક વસ્તુ ન મળતા આ અફવા કોણે ફેલાવી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
ફ્લાઇટમાં બોમ્બની અફવાના કારણે જ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવામાં વિલંબ થયો હતો. એરપોર્ટ પર લંડનવાળી ફ્લાઇટનું ચેકિંગ સમાપ્ત થયું તે બાદ જ રાહુલ ગાંધીના ચાર્ટર્ડ પ્લેનને અમદાવાદમાં ઊતરવાની મંજૂરી આપવામાં આવી હતી.