Gangaswarupa Yojna: દિલ્હીમાં મત અને સત્તા મેળવવા મહિલા સન્માન યોજના દ્વારા મહિલાઓને માસિક રૂ।. 2500 આપવાની યોજના જાહેર કરાઈ પરંતુ, તેમાં અનેકવિધ નિયમોની ચારણી મુકીને લાભાર્થીની સંખ્યા મર્યાદિત કરાઈ છે. ગુજરાતમાં પુખ્તવયની વિધવા મહિલાઓ માટે ગંગાસ્વરૂપા નામથી યોજના ચાલે છે જેમાં મહિને માત્ર 1250 રૂપરડીની સહાય અપાય છે અને તેમાં પણ ધાંધિયા થઈ રહ્યાની ફરિયાદો ઉઠી છે.
રાજકોટ કલેક્ટરને સોની યુવા સોશ્યલ ટ્રસ્ટે રજૂઆત કરીને જણાવ્યું કે ગરીબ વિધવા મહિલાઓને એક તો મામુલી રકમની સહાય મળે છે જેમાંથી જીવનજરૂરી સામાન્ય ખર્ચ પણ નીકળતો નથી તેથી આ સહાય વધારવાની જરૂર છે. સતત મોંઘવારીને કારણે વિધવા મહિલાઓ ભારે તકલીફનો સામનો કરવો પડે છે. વળી, આ સહાયની રકમ દર મહિનાની તા.1થી 3ચૂકવાઈ જવી જોઈએ તેના બદલે ખૂબ વિલંબ કરવામાં આવે છે. આ ઉપરાંત એટીએમમાં આ સહાય ઉપાડવા જાય તો ૫૦૦-500ની નોટ હોય છે ત્યારે 250 કેમ ઉપાડવા તે સવાલ છે.
સરકારી અફ્સરો,કર્મચારીઓનો પગાર કે પદાધિકારીઓને મળતું વેતન તો સમયસર જમા થઈ જાય છે પરંતુ, ગરીબ મહિલાઓને સમયસર રકમ કેમ ચૂકવાતી નથી તે સવાલ ઉઠયો છે. ગંભીર બાબત તો એ છે કે આ નજીવી રકમની સહાય માટે પણ લાંબી વિધિ કરવી પડે છે, માત્ર કોઈ મહિલા વિધવા હોય તે પુરતું નથી, તેમાં આવકના દાખલા સહિતની સર્ટિફિકેટ મંગાય છે. જે વિધવા મહિલા આર્થિક સંપન્ન હોય તે આટલી નાની રકમની સહાયની માંગણી જ કરતા નથી હોતા. માત્ર ગંગા સ્વરૂપા યોજનામાં જ નહીં પરંતુ, અન્ય મહિલા સંબંધી યોજનામાં પણ આવક મર્યાદા સહિતના નિયંત્રણોની ચારણીથી મોટાભાગની મહિલાઓ સહાયથી વંચિત રહે છે. મહિલાઓ ઉપર વિશ્વાસ મુકીને માત્ર તે દિકરી છે, વિદ્યાર્થીની છે, મહિલા છે, વિધવા છે એટલું ચકાસીને સહાય ચૂકવવી જોઈએ અને તે સહાય લાગે એટલી રકમની હોવી જોઈએ પણ તેમ થતું નથી.