Gopal Italia Visavadar: ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ જામી ગયો છે. હકીકતમાં જૂનાગઢની વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ આ બેઠક પર પેટાચૂંટણીનું આયોજન થવાનું છે. જેમાં હવે AAP (આમ આદમી પાર્ટી) ના નેતા ગોપાલ ઈટાલિયાએ ઉમેદવારી નોંધાવી છે. નોંધનીય છે કે, પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ તારીખ આપવામાં નથી આવી. પરંતુ, AAP આ વખતે મોડું પડવા નથી ઈચ્છતું અને અત્યારથી જ વિસાવદરની જીત માટે તૈયારી શરૂ કરી દીધી છે.
સત્તાવાર જાહેરાત કરાઈ
આમ આદમી પાર્ટી ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાની જાહેરાત થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.’
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી @Gopal_Italia ની જાહેરાત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. pic.twitter.com/TO9sxGW8Ev
— AAP Gujarat (@AAPGujarat) March 23, 2025
એક જ વર્ષમાં આપ્યું રાજીનામું
નોંધનીય છે કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ રિબડિયા અને AAP ના ભૂપત ભાયાણી વચ્ચે જામેલા ચૂંટણી જંગમાં ભૂપત ભાયાણી વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. જોકે, એક જ વર્ષમાં તેમણે રાજીનામું આપી દેતાં બેઠક ખાલી પડી હતી. હવે ગમે ત્યારે આ બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન થઈ શકે છે. જે માટે AAP એ કમર કસવાનું શરૂ કરી દીધું છે.