થરાદ તાલુકાના ખેગારપુરા ગામે આજે ગોઝારી દુર્ઘટના સામે આવી છે. રોડની બાજુમાં નાળાંની કામગીરી દરમિયાન કામ કરી રહેલા ચાર મજૂરો પર અચાનક માટી ભરેલું ડમ્પર પલટી મારી જતાં તેઓ માટી નીચે દટાયા હતા. આ દુર્ધટનામાં માટીમાં દટાઈ જતાં 4 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેગારપુરા ગામે રોડની બાજુમાં બની રહેલા નાળાંની કામગીરી દરમિયાન માટી ભરેલું ડમ્પર પલટી મારી જતાં આ દુર્ઘટનાની સર્જાય હતી. માટી ભરેલું ડમ્પર પલટી મારી જતાં નાળામાં કામ કરી રહેલા મજૂરો ઉપર પડ્યું હતું. જેમાં માટી ભરેલા ડમ્પર નીચે દટાતા 4 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
આ દુર્ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા છે. સ્થાનિક તંત્ર દ્વારા મજૂરોને શક્ય તેટલી ઝડપથી બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ માટી નીચે દટાવાના કારણે મજૂરોને બચાવી શકાયા ન હતા. આ ઘટનાની જાણ થતા થરાદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે
4 મજૂરોના કમકમાટીભર્યા મોત
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ સાથે થરાદ પોલીસ પણ પહોંચી ગઈ હતી. માટી નીચે દટાયેલા મજૂરોને બચાવવા માટે જેસીબી મશીન દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જો કે, માટી ભરેલા ડમ્પર નીચે દટાઈ જવાથી 4 મજૂરોના મોત નિપજ્યાં છે. મૃતકોમાં 3 મહિલા અને એક બાળક હોવાનું સામે આવ્યું છે. હાલ તો મૃતકોના મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.