Group clash in Nadiad: ખેડા જિલ્લાના નડિયાદના સલુણ ગામે શુક્રવારે કોઈ અગમ્ય બાબતને લઇને ગામના બે સમાજના ટોળા આવી જતા મામલો બિચક્યો હતો. આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ હવે ખેડાના નડિયાદમાં શનિવારે મોડી રાત્રે પાંચ હાટડી વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે બબાલ થઇ હતી. નમાઝ બાદ થયેલી આ માથાકૂટમાં પાંચથી છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદના પાંચ હાટડી વિસ્તારમાં નમાજ બાદ એક જ કોમના બે જૂથો સામેસામી આવી ગયા હતા. જૂની અદાવતમાં આ જૂથ અથડામણ થઇ હોવાની વિગતો મળી છે. આ બબાલમાં પાંચથી છ લોકોને ઇજાગ્રસ્ત થયા છે. જેમાં બે લોકોને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસની એક ટીમ સ્ટેન્ડ બાય રાખી છે.