Gujarat Board Std.10-12 Result Updates: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચરતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ વહેલા જાહેર થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ વહેલા જાહેર થઈ શકે છે. મે મહિનાની શરૂઆતમાં બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થવાની શક્યતા.’
ધો.10-12 બોર્ડનું પરિણામ વહેલું આવે તેવી શક્યતા
રાજ્યમાં બોર્ડના પરીક્ષાના પરિણામને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ‘ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવી હોવાથી પરિણામ પણ વહેલા જાહેર થવાની શક્યતા છે. આ માટે બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, ત્યારે આગામી મે મહિનાના પહેલા અઠવાડિયામાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થવાની શક્યતા છે.’
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર બે વર્ષ જૂના એક સમાચાર અહેવાલનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું હતું કે, ‘ગુજરાત બોર્ડ રિઝલ્ટઃ 10માં ધોરણમાં 157 સ્કૂલમાં શૂન્ય વિદ્યાર્થીઓ પાસ’. જ્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે પણ અખિલેશ યાદવની આ પોસ્ટને ફરી શેર કરતા ગુજરાતના શિક્ષણ મોડેલને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ મામલે પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે, ‘બંને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ભગવાન બંનેને સદબુદ્ધિ આપે…’