Gujarat Farmer News : ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે તુવેર ખરીદીને લઈને મોટો વિવાદ સર્જાયો છે. સેટેલાઇટ સર્વે મુજબ રાજ્યના 10 હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. જેમાં જુનાગઢ, કેશોદ સહિતના જિલ્લાના ખેડૂતોનો પણ સામેલ છે. ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતાં તુવેર પકવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
જમીન માપણીની ભૂલમાં થયેલી ભૂલના લીધે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. આ મામલે ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને રદ થયેલા રજિસ્ટ્રેશનવાળા ખેડૂતોની તુવેર ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને તેમના ખાતામાં વહેલી તકે પૈસા જમા કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.
જૂનાગઢમાં તુવેર માટે રજિસ્ટ્રેશન રદ થવા પર પાલ આંબલિયાએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે પાકોનો સેટેલાઇટ સર્વે શરૂ કર્યો છે. આ સર્વેમાં જે ખેતર દેખાય છે, તે ખેતરનો સર્વે થયો છે. જેમાં X ની જમીન હતી તે Yના નામે ચડી ગઇ છે અને Yની જમીન Xના નામે ચડી ગઇ છે. Xએ તુવેર વાવી છે, તેના ખેતરમાં તુવરે પણ છે પણ જમીન માપણીની ભૂલ છે તે ખેતર Yનું દેખાય છે.
જ્યારે સેટેલાઇટ સર્વે કર્યો ત્યારે Yમાં તો તુવેર હતી જ નહી. એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવરની રજિસ્ટ્રેશન કર્યું પણ જુનાગઢ રજિસ્ટ્રેશન કેન્દ્ર ખેડૂત જાય છે ત્યારે કહેવામાં આવે છે કે તમે તુવેર વાવી જ નથી. જેથી ખેડૂતોએ વીલા મોંઢે પાછા ફરવું પડે છે. જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે અને ભોગવે ખેડૂતો છે.
સરકાર આ સેટેલાઇટ સર્વે પાક યોજના નહી પણ આવી અનેક યોજનામાં આ જમીન માપણીની ભૂલો સરકારને ક્યાંકને ક્યાંક આડી આવે છે. દરેક વખતે સરકારના ચહેરા પર ધૂળ છે અને સરકાર અરીસો સાફ કરવાના પ્રયત્નો કરે છે. આ ખોટેખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી છે. સો ટકા જમીન માપણીમાં ભૂલ છે એવું સાબિત થઇ ગયું છે.
સરકારે પોતે સર્વે કરીને સાબિત કર્યું છે, આવા અલગ અલગ પ્રોજેક્ટોમાં સાબિત થયું છે. પરંતુ તેમછતાંય સરકાર જમીન માપણી રદ શા માટે કરતી નથી આ કોઇને સમજાતું નથી. સરકારને જમીન માપણી પ્રત્યે આટલો પ્રેમ શા માટે છે. સૌ પ્રથમ જેટલા ખેડૂતોને પાછા મોકલ્યા છે તેમની તુવેર ખરીદવામાં આવે અને જમીન માપણી રદ કરવામાં આવે.