Gujarat Government News: ગુજરાત સરકારે આજે એક મહત્ત્વના નિર્ણય પર મહોર મારી છે. ગુજરાતના ધારાસભ્યોને હાલ વાર્ષિક રૂ. 1.50 કરોડ ગ્રાન્ટ મળે છે, જેમાં રૂ. એક કરોડનો વધારો કરાયો છે. એટલે કે હવે ધારાસભ્યો વાર્ષિક રૂ. 2.50 કરોડ ગ્રાન્ટ મળશે. આ પૈકી તમામ ધારાસભ્યે પોતપોતાના વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ રૂ. 50 લાખ વાપરવાના રહેશે.
વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના હેતુથી ગુજરાતમાં 2018થી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવે છે. આ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડિસિલ્ટિંગ, નહેરો તથા કાંસની મરામત-જાળવણી અને સાફસફાઈ, માટી પાળા તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવા જળ સંચયના વિવિધ કામો જનભાગીદારીથી કરાય છે.
આ અભિયાન થકી ગત સાત વર્ષમાં 1,19,144 લાખ ઘનફૂટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી છે તેમજ 199.60 લાખ રોજગારી સર્જાઈ છે. ધારાસભ્યોને ફાળવવામાં આવનારી વિકાસ કામોની આ ગ્રાન્ટમાંથી રૂ. 50 લાખ ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’ અંતર્ગત પોતાના મત ક્ષેત્રોમાં જળ સંચયના કામો માટે ઉપયોગમાં લેવાના રહેશે તેવું પણ સુનિશ્ચિત કરાયું છે.