Gujarat Gun Culture: નાગાલેન્ડ અને મણિપુર રાજ્યના સરકારી વિભાગના નામે હથિયારો માટેનું બોગસ લાઈસન્સ ઈસ્યુ કરીને તેના દ્વારા ખૂબ મોટાપ્રમાણમાં હથિયારોની ખરીદી કરવાના મામલે તપાસ કરી રહેલી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં બોગસ લાઈસન્સથી ખૂબ મોટા પ્રમાણમાં હથિયાર ખરીદી કરાયાની વિગતો મળી રહી છે. આ ઉપરાંત અમદાવાદના એક મોટા ગજાના રાજકીય વ્યક્તિના અનેક નજીકના લોકોએ પણ લાઈસન્સ મેળવ્યાની સાથે દક્ષિણ ગુજરાતના એક ધારાસભ્યના નજીકના સગાનું નામ એટીએસને તપાસમાં જાણવા મળ્યું છે.
ધારાસભ્યના સંબંધીએ બોગસ લાઈસન્સ લઇ લીધા
નાગાલેન્ડ અને મણિપુર રાજ્યથી કાયદેસરનું લાઈસન્સ ઈસ્યુ કરી આપવાનું કહીને ત્યાંની સરકારના નામે હથિયારના બનાવટી લાયસન્સ ઈસ્યુ કરવાના કેસમાં એટીએસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોની સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો મળી રહી છે. જેમાં મુખ્ય સાત આરોપીઓ પાસેથી મળેલી વિગતો અને ત્યારબાદ શરૂ કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ બનાવટી લાઈસન્સ પર એકથી વધુ હથિયાર ખરીદીને લાખો રૂપિયામાં વૈચાણ કર્યા હતા. એટલુ જ નહીં બોગસ લાઈસન્સમાં ચેડા કરીને લાઈસન્સ પણ મોટી રકમ વસુલીને આપ્યા હતા. એટીએસ દ્વારા એકયાદી કરવાની સાથે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પોરંબદર અને ભાવનગર સહિતના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે.
બીજી તરફ તપાસમાં એવી વિગતો આવી છે કે અમદાવાદના એક મોટાગજાના રાજકીય વ્યક્તિ સાથે આરોપીઓને મિલિભગત હોવાથી તેમણે અનેક બોગસ લાઈસન્સ ઈસ્યુ કરાવ્યા છે. આ ઉપરાંત દિક્ષિતના એક ધારાસભ્યના પણ હથિયાર હોવાની વિગતો એટીએસની તપાસ ખુલી છે. સાથેસાથે સુરેન્દ્રનગર જિલ્લાના એક અનુભવી રાજકીય વ્યક્તિના અનેક સગાને પણ લાઈસન્સ ઈસ્યુ કરાવ્યાની વિગતો સામે આવતા હતા. હવે આ કેસમાં રાજકીય વળાંક આવતા એટીએસના અધિકારીઓ મુંઝવણમાં મુકાયાનું જાણવા મળ્યું છે.
અર્જુન અલગોતર ગુજરાતના કલાકારોના સંપર્કમાં લાઈસન્સ અપાવ્યા હોવાની ગોલિવુડમાં ચર્ચા
નાગાલેન્ડ-મણિપુરમાં વસવાટના ખોટા દસ્તાવેજો આધારે લાઈસન્સ અને હથિયાર ખરીદવાનો પર્દાફાશ થયો છે. ત્યારે એવી ચર્ચા છે કે, કેટલાંક ડાયરાના કલાકારો પણ શંકાના ઘેરામાં છે કેમ કે, તેમણે પણ ગેરકાયદે રીતે હથિયાર ખરીદ્યા છે. ગેરકાયદે લાઈસન્સ અને હથિયાર પ્રકરણમાં હજુ મોટા ખુલાસો થઈ શકે તેમ છે. ગેરકાય રીતે રિવોલ્વર અને લાયસન્સ અપાવવામાં જેની મુખ્ય ભૂમિકા રહી છે તે અર્જુન અલગોતર કેટલાંક ગુજરાતી કલાકારોના સંપર્કમાં હોય તેવી ચર્ચાએ જોર પકડયુ છે.
અર્જુન અલગોતરે જ ડાયરાના કલાકારોને ગેરકાયદે રીતે લાઈસન્સ અને રિવોલ્વર અપાવ્યાં છે. હવે જ્યારે આ પ્રકરણમાં માઇન્ડ માસ્ટર સૌકતઅલી હરિયાણાથી પકડાયો છે ત્યારે હજુ ચોંકાવનારી માહિતી બહાર આવશે. ગેરકાયદે રીતે રિવોલ્વર અને લાયસન્સ કૌભાંડ પકડાયુ છે ત્યારે ડાયરાના કલાકારોએ મૂંઝવણમાં મૂકાયા છે. રાજકીય વગ આધારે સમગ્ર પ્રકરણથી બચવા દોડધામ મચાવી છે. પોલીસ આ દિશામાં તપાસ કરશે તો વટ પાડવા હથિયાર ખરીદનારાંઓના નામ ખુલી શકે છે.