Gujarat Heatwave Action Plan 2025: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે અને કેટલાક જિલ્લામાં હીટવેવ પણ શરૂ થઈ છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO)ને પરિપત્ર કરીને હીટવેવ એક્શન પ્લાન-2025નો સ્કૂલોમાં અમલ કરાવવા માટે આદેશ કરાયો છે. જેમાં શાળાઓને ખુલ્લામાં વર્ગો ન યોજવા તથા કાર્યક્રમ ન કરવા તેમજ જરૂરીયાત મુજબ શાળાનો સમય બદલવા માટે આદેશ આપ્યો છે.
ગુજરાત હીટવેવ એક્શન પ્લાન 2025
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હેઠળના રાહત કમિશનર અને સચિવ કચેરી દ્વારા રાજ્યમાં વધતી ગરમીને લઈને પૂર્વ તૈયારી કરવા જણાવવામા આવ્યુ છે. ગુજરાત હીટવેવ એક્શન પ્લાન 2025 અનુસાર, કાર્યવાહી હાથ ધરવા તથા ખાસ હીટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતુ હોઈ તકેદારીના ખાસ પગલા લેવા સરકાર દ્વારા સૂચનાઓ અપાઈ છે. જેને પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ ડીઈઓ અને ડીપીઈઓને પરિપત્ર કરીને હીટવેવ એક્શન પ્લાનનો અમલ કરાવવા અને રાજ્યની પ્રાથમિક શાળામાં ખાસ તકેદારીના પગલા લેવામાં આવે તે રીતનું આયોજન કરવા આદેશ કરવામા આવ્યો છે.
સરકારની સૂચના મુજબ તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ અને તેની અસરો તથા બચવાના ઉપયાગો વિશે સમજણ આપવાની રહેશે. આ ઉફરાંત ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન-એર વર્ગો તથા કાર્યક્રમો હાથ ધરવાના રહેશે નહીં. ઉનાળાની ઋતુમાં શાળાના સમયમાં જરૂરીયાત મુજબ ફેરફાર કરવાનો રહેશે. આ બાબતે તમામ સ્કૂલોને સૂચનાઓ આપવા સરકારે ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને આદેશ કર્યો છે.
જિલ્લા શિક્ષણાધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે
હીટવેવને લઈને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, ‘રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી ગરમીનું પ્રમાણ જોઇને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે, તેમને રાજ્ય સરકાર પાસે કોઈ પણ પ્રકાર મંજૂરી મેળવવાની રહેશે નહીં. શાળામાં વિધાર્થીઓ પ્રાર્થના બાદ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં ખેલકૂદની પ્રવૃતિઓ કરી શકશે નહી. ગરમીમાં શિક્ષકોએ વિધાર્થીઓ સમયસર પાણી પીવે તે તેમને યાદ કરાવવાનું રહેશે. રાજ્યના નાગરીકોએ હીટવેવથી ડરવાની નહીં, પરંતુ જાગૃતિ સાથે પોતાના બાળકની કાળજી રાખવાની જરૂર છે.’
ઉલ્લેખનીય છે કે, ગરમીને લઈને થોડા સમય અગાઉ બપોરની સ્કૂલના સમયને સવારની પાળી સાથે ચલાવવા માટે માંગ કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલતી સ્કૂલો સવારે 7:30થી બપોરે 12:00 વાગ્યા સુધી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
આગામી બે દિવસ કચ્છમાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 9 જિલ્લામાં રેડ, યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવામાન વિભાગે આવતીકાલે રવિવારે (6 એપ્રિલ, 2025) અને 7 એપ્રિલના રોજ કચ્છ જિલ્લા હીટવેવનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં યલો ઍલર્ટ અને મોરબી અને રાજકોટ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.