Gujarat Legislative Assembly : ગુજરાત વિધાનસભામાં આજે સામાન્ય વહીવટ વિભાગ, શહેરી વિકાસ જેવા વિભાગો પર માંગણીઓ પર ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ચૂંટણી પંચના ખર્ચા મુદ્દે આક્ષેપો કરાયા હતા. આ આક્ષેપો મુદ્દે સરકારના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ચૂંટણી પંચ પર કરવામાં આવેલ ભાષણને રેકૉર્ડ પરથી દૂર કરવાની માંગ કરી હતી, જે મુદ્દે મેવાણીએ વેલમાં ઘૂસી આવીને સૂત્રોચાર કર્યા હતા, જેમાં ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે તેમને સસ્પેન્ડ કર્યાં હતા.
‘કલેક્ટરે રૂ.20 લાખના ટેન્ડરના બદલે 2.96 કરોડના બિલ મુક્યા’
જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે, ‘લોકસભા ચૂંટણીમાં પોરબંદર કલેક્ટર દ્વારા 20 લાખ રૂપિયાના ટેન્ડરની જગ્યાએ 2.96 કરોડ રૂપિયાના બિલ મુકવા બાબતે, જામનગર કલેક્ટર દ્વારા ગાડીના બિલમાં એક ગાડીના દિવસના 90 લીટર ઇંધણના બિલ જેવા મુદ્દાઓ ટાંકીને આક્ષેપ કર્યા હતા.’
અધિકારીઓ રૂ.16,000ના ડ્રાય ફ્રૂટ ખાઇ ગયા : જીગ્નેશ મેવાણી
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં 40% બાળકો કુપોષિત હોય તે રાજ્યમાં અધિકારીઓ 16000 રૂપિયાના ડ્રાય ફ્રૂટ ખાઇ ગયા અને ચિકનના પૈસાના બિલ પણ સરકારમાં મંજૂરી માટે મૂક્યા.’
‘નકલી જેલ પણ RERAના બિલ્ડિંગમાં ચાલતી હતી’
જીગ્નેશ મેવાણીએ વિધાનસભા ગૃહમાં ચોંકાવનારી માહિતી જાહેર કરી કે, રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ પકડાઈ છે ત્યાં નકલી જેલ પણ RERAના બિલ્ડિંગમાં ચાલતી હતી, જેમાં ગેરકાયદેસર રીતે બિલ્ડરોને ગોંધી રાખવામાં આવ્યા હતા.
મેવાણીના ભાષણને રેકોર્ડમાંથી હટાવો : ઋષિકેશ પટેલ
જીગ્નેશ મેવાણીના ભાષણ બાદ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ એ સ્વાયત સંસ્થા છે, જેના ખર્ચા વિશે ગૃહમાં ચર્ચા કરી શકાતી નથી જેથી તેમના ભાષણને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી, જે મુદ્દે અધ્યક્ષ શંકર ચૌધરીએ રેકોર્ડ ચેક કરી નિર્ણય લેવા જણાવ્યું હતું.