Gujarat News: ગુજરાતમાં ખેલ સહાયકો છેલ્લાં ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યાં છે. જેમાં તેઓ કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ કરી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીની માંગ કરી રહ્યાં છે. એવામાં હવે ખેલ સહાયકોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેલ સહાયકની વયમર્યાદામાં વધારો કરાયો છે. નોંધનીય છે કે, ખેલસહાયકો દ્વારા આ 11 મહિનાના કરાર આધારિત ભરતીને ખતમ કરી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી માટેની માંગ કરવામાં આવી રહી છે.
ખેલસહાયકની વયમર્યાદામાં વધારો
આ મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી છે. પહેલાં ખેલસહાયકની વયમર્યાદા 38 વર્ષ હતી, જેને વધારીને હવે 40 વર્ષ કરવામાં આવી છે. નોંધનીય છે કે, લાંબા સમયથી ખેલ સહાયકની વયમર્યાદા વધારવા અંગે વિચારણા ચાલી રહી હતી.
શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરીયાએ આપી જાણકારી
આ વિશે વધુ જાણકારી આપતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ખેલ સહાયકની ભરતી વારંવાર નથઈ આવતી. તેથી ઉમેદવારોના બહોળા હિતને ધ્યાને રાખી મુખ્યમંત્રી દ્વારા વયમર્યાદા વધારવા માટે મંજૂરી આપવામાંમ આવી છે. જેથી, લાયક ઉમેદવારોને સારી તક મળી રહેશે.
ખેલસહાયકોનું આંદોલન યથાવત
નોંધનીય છે કે, શિક્ષણમંત્રીની આ જાહેરાત બાદ પણ ખેલસહાયકો દ્વારા પોતાનું આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે. જેમાં વિવિધ પાંચ માંગ કરવામાં આવી છે. જો રાજ્ય સરકાર દ્વારા આ માંગણી સંતોષવામાં આવશે તો જ તેઓ આંદોલન સમેટશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
શું છે વ્યાયામ શિક્ષકોની માંગણી
- ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. જેથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.
- રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવે છે. એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે, તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં જ આવતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.
- રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી (SAT) લેવામાં આવી છે, તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે.
- રાજ્યમાં ખેલ અભિરુચિ કસોટી જ્યારે લેવાની હતી, ત્યારે રાજ્યમાં સરકારે લગભગ 5,075 જેટલી વ્યાયામ શિક્ષકોની ખાલી જગ્યાઓ બતાવી હતી. તે તમામ જગ્યાઓ ઉપર કાયમી ભરતી કરવામાં આવે.
- રાજ્યમાં વ્યાયામ શિક્ષકની 15 વર્ષથી ભરતી કરી નથી તો તેને ધ્યાનમાં રાખીને નવો જી.આર. નવું માળખું રચવામાં આવે અને સત્વરે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવે.