મૃતક વિદ્યાર્થીઓ હિંમતનગરના પાનપુર પાટિયા વિસ્તારના રહેવાસી હતા
મંગળવારે બપોરે હિંમતનગર-બીજાપુર હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો. જેમાં 2 વિદ્યાર્થીઓના દુઃખદ મોત થયા હતા જ્યારે બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગર-બીજાપુર હાઇવે પર સતનગર નજીક એક ગંભીર અકસ્માત થયો હતો. શાળાના લગભગ 6 વિદ્યાર્થીઓ સ્કોર્પિયો કારમાં ભોજન લેવા જઈ રહ્યા હતા. પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલા વિદ્યાર્થી ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને કાર ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ, જેના કારણે કાર 4 થી 5 વખત પલટી ગઈ. આ અકસ્માતમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બે અન્ય લોકોને નાની ઇજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ હિંમતનગરના પાનપુર પાટિયા વિસ્તારના રહેવાસી હતા. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે કાર કોણ ચલાવી રહ્યું હતું અને કારમાં બીજું કોણ હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.