Gujarat University: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચોથી ઓક્ટોબર 2024માં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં GCCI (ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)ના નોમીની મેમ્બર તરીકે મનન દાણીની નિમણૂક કરવામાં આવી હતી. હવે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ શિક્ષણ મંત્રીને મનન દાણીની નિયમ મુજબ નિમણૂક ન થઈ હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસ પ્રવક્તાની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે મનન દાણીની નિમણૂક અંગે વધુ ખુલાસા માંગ્યા છે.
સમગ્ર મુદ્દો શું છે?
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ શિક્ષણમંત્રીને ઓક્ટોબર 2024માં ફરિયાદ કરી હતી કે, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી 2023 મુજબ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે વિવિધ સભ્યોની નિયુક્તિ કરવાનું ઠરાવ છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ દ્વારા સગવડીયું અર્થઘટન કરીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે ભાજપના નેતા મનન દાણીની નિમણૂક કરી છે.
સરકારના કોમન યુનિવર્સિટી એક્ટ અંતર્ગત છઠ્ઠી નવેમ્બર 2023ના રોજ ગુજરાત યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના થઈ હતી. આ કાઉન્સિલમાં 22માંથી 11 મેમ્બર જ નિમાયા હતા અને 50 ટકા જગ્યા ખાલી હતી ત્યારે ઓક્ટોબર 2024માં યુનિવર્સિટીના કુલપતિએ પોતાને મળેલી સત્તાની રૂએ બે મેમ્બરની નિમણૂક કરી છે. જેમાં GCCIના મેમ્બરની કેટેગરીમાં કુલપતિ દ્વારા કાઉન્સિલમાં મનન દાણીની નિમણૂક કરવામાં આવી હતી.