Gujarat Weather: ગુજરાતનું હવામાન પોતાનો મિજાજ બદલવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાલ રાજ્યમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં ઘણાં શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે. ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. 29મી માર્ચ અને 30મી માર્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે. લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની આગાહી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજથી ગુજરાતમાં તોફાન જેવા પવન ફૂંકાશે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો આવ્યો છે અને ગરમીમાંથી રાહત મળી રહી છે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરુઆતમાં હવામાનમાં પલટો જોવા મળશે. બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી અને એપ્રિલની શરુઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ છે.