Gun culture in Gujarat: ગુજરાતમાં છાનાપગલે ગન કલ્ચર વિસ્તરી રહ્યું છે. આ ઘટસ્ફોટ છેલ્લા પખવાડિયાથી સમગ્ર રાજ્યમાં એટીએસ અને એસઓજી દ્વારા ચાલી રહેલી ડ્રાઈવ દરમિયાન થયો છે. બીજા રાજ્યના ગન લાયસન્સ મેળવી મહદ્દઅંશે દિલ્હી- હરિયાણાથી ખરીદેલાં હથિયારો રાખવાના ટ્રેન્ડમાં 80 ટકા સટ્ટેબાજો અને અસામાજીક તત્ત્વો સામેલ છે. એજન્ટો મારફતે અનેક નામી અને નામચીન લોકો નિયમ વિરૂદ્ધ ગન લાયસન્સ મેળવી રહ્યાં છે. કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના ગન લાયસન્સ મેળવી સીનસપાટા કરવાનો ખેલ ખેલનારાંઓ સામેની તપાસમાં ઓપરેશન લીડ કરતી એજન્સી એ.ટી.એસ.નું મૌન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ATS-SOGની ડ્રાઈવમાં નિયમભંગ કરી હથિયાર રાખનારાં 80 ટકા સટ્ટેબાજો
રાજ્યના ડીજીપીએ 100 કલાકમાં અસામાજીક તત્ત્વોની યાદી બનાવી કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો ત્યારથી ગુજરાતમાં ગન કલ્ચર સામે કડક કાર્યવાહી આરંભાઈ છે. દરેક જિલ્લામાં એટીએસના નેજાતળે કાર્યરત એસ.ઓ.જી. એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ નિયમ ભંગ કરીને એજન્ટો થકી બીજા રાજ્યોમાંથી મેળવેલાં ગન લાયસન્સ અંગે ઊંડી તપાસ આરભી છે.
એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઓલ ઈન્ડિયા ગન લાયસન્સ જ્યાંથી મેળવાય છે તેવા મણીપુર, મેઘાલય, નાગાલેન્ડ સહિતના અડધો ડઝન રાજ્યમાં તપાસ કરી રહી છે. જિલ્લાઓમાં એસઓજી ટીમો તપાસ કરે છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 21 શખ્સોને પચ્ચીસ હથિયારો, 216 કારતુસ સાથે રાઉન્ડઅપ કર્યાં તેમાંથી 17 લોકોએ તો મણીપુર અને નાગાલેન્ડથી એજન્ટો માારફતે ગન લાયસન્સ મેળવ્યાની વિગતો ખુલી છે.
ડ્રાઈવ દરમિયાન ગુજરાતના જે જિલ્લામાં ગન કલ્ચર સામે કાર્યવાહી થઈ ત્યાં આવી જ વિગતો ખુલતાં લીડ એજન્સી એ.ટી.એસ. દ્વારા કુલ 160 લોકોનું લિસ્ટ બનાવીને ઊંડી તપાસ શરૂ કરી છે. એજન્ટો મારફતે બીજા રાજ્યોમાંથી ગન લાયસન્સ મેળવવાનું કૌભાંડ દશકાથી આયોજનબઘ્ધ રીતે ચલાવાઈ રહ્યું છે. અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર સહિત રાજ્યમાં વિસ્તરી ચૂકેલા કૌભાંડમાં નિયમો તોડીમરોડીને ગન લાયસન્સ મેળવવા લાખો રૂપિયાનો ખર્ચ કરાય છે. આવો ખર્ચ કરી ગન લાયસન્સ મેળવનારાંઓમાં 80 ટકા અસામાજીક તત્ત્વો, બુકીઓ, કરોડોનો ખેલો કરતાં સટ્ટેબાજો, કોલ સેન્ટર સંચાલકો સામેલ હોવાનું જાણી એટીએસ જેવી એજન્સી અને સરકાર પણ ચોંકી ઊઠયા છે.
આવા તત્ત્વો સીનસપાટા કરવા અને આધિપત્ય જમાવવા માટે બીજા રાજ્યના લાયસન્સ મેળવી બહારના રાજ્યથી જ ગન ખરીદી લે છે. સૂત્રો કહે છે કે, ગુજરાતમાં હથિયાર લાયસન્સ મેળવવા આસાન નથી. જ્યારે, પૂર્વોારના રાજ્યોમાં ઓલ ઈન્ડિયા ગન લાયસન્સ આસાનીથી મળી જાય છે. આ રાજ્યોમાં લાયસન્સની અરજી કરનારાંના કેરેક્ટર સર્ટીફિકેટ એટલે કે ગુજરાત પોલીસમાં કોઈ ગુના છે કે નહીં?
હરિયાણા, દિલ્હીથી ગન ખરીદીમાં પણ એજન્ટોની ચેઈન સક્રિય
ગુજરાતનું કાયમી સરનામું કે લાયસન્સ મેળવવા ગુજરાતમાંથી કયા કારણે પ્રક્રિયા કરવામાં આવી નથી તેની કોઈ દરકાર કરવામાં આવતી નથી. ગન લાયસન્સ મેળવવા માટે કુલ 113 નિયમોનો અમલ કરવાના હોય છે. પરંતુ, બીજા રાજ્યમાંથી લાયસન્સ અપાવતાં એજન્ટો અને પૈસા એટલા મજબૂત છે કે બીજા રાજ્યોના લાયસન્સના આધારે ગુજરાતમાં ગન કલ્ચર સતત ભયજનક રીતે વિસ્તરી રહ્યું છે. બીજા રાજ્યના લાયસન્સના આધારે ગુજરાતમાં ગન ખરીદવાનું હવે આસાન નથી. ગન વેચતા મોટાભાગના વેપારીઓ અન્ય રાજ્યના લાયસન્સ ઉપર હથિયાર વેચતા ન હોવાથી હરિયાણા, દિલ્હીથી ગન ખરીદીમાં પણ એજન્ટોની ચેઈન સક્રિય છે.
હદ તો એ વાતની છે કે, ચૂંટાયેલા નેતાઓએ પણ પોતાનું સરનામું બદલે તો પણ તંત્રને જાણ કરવી પડે તેવા નિયમો છે. પણ, નિયમોનો ગેરલાભ લઈ સમાજમાં ભય ફેલાવતું ગન કલ્ચર રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા એટીએસ થકી વિતેલા પાંચ વર્ષમાં ત્રીજી વખત ડ્રાઈવ યોજાઈ છે. પરંતુ, કાયમી ઉકેલ લાવવાની દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલમાં તો એટીએસ જેવી એજન્સી ગન કલ્ચર સામે કડક કાર્યવાહીની દિશામાં અગ્રેસર હોય તેમ જણાય છે. આવા તબક્કે કાયદાકીય છટકબારીના દુરૂપયોગની તપાસમાં વારંવાર બોલાવીને બેસાડી રાખવા પાછળ શું ખેલ છે તેની પણ ચર્ચા છે.
ગુજરાત સરકાર અને પ્રજા માટે એટીએસ શ્રઘ્ધેય એજન્સી છે. 160 લોકો અંગે ઊંડી તપાસ ચાલી રહી છે તેમાં અમુક ચર્ચાસ્પદ કલાકારો ઉપરાંત સટ્ટેબાજો અને અસામાજીકો છે. અનેક નામી અને નામચીન લોકો પાસે નિયમ વિરૂદ્ધ લાયસન્સ હોવા અંગે ચાલતી તપાસમાં નામ તેમજ તપાસની વિગતો જાહેર કરવામાં એજન્સીનું મૌન અનેક ચર્ચા જગાવી રહ્યું છે. તપાસને નુકસાનના નામે પારદર્શિતા આડે પડદો ક્યાં સુધી રાખવો તે એક અધિકારી નક્કી કરતાં હોવાથી સરકારની શ્રઘ્ધેયતા જોખમાય છે.
જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ પછી હવે મણીપુરથી ગન લાઈસન્સ
ગુજરાતમાં બીજા રાજ્યમાંથી લાઈસન્સ લાવવાનો કારોબાર વર્ષોથી ચાલે છે. જમ્મુ-કાશ્મીરથી ગન લાયસન્સ કૌભાંડ પકડી ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના મોટા માથાઓ સામે કાર્યવાહી કરી પછી વર્ષ 2007માં પણ જમ્મુ-કાશ્મીરના બોગસ ગન લાયસન્સ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આ પછી નાગાલેન્ડના બોગસ ગન લાયસન્સનો ઘટસ્ફોટ થયો હતો. આટલી કાર્યવાહી છતાં બે વર્ષ અગાઉ સોલા પોલીસે પણ જમ્મુ-કાશ્મીરના બનાવટી હથિયાર પરવાનાનું કારસ્તાન પકડ્યું હતું. આશ્ચર્ય એ છે કે, દોઢ દાયકામાં રાજ્યો વચ્ચે સંકલન સાધીને કાયમી ઉકેલ લાવવાની દિશામાં કાર્યવાહી થઈ નથી.
બીજા રાજ્યોના લાયસન્સથી હથિયારોમાં સટ્ટા અને કોલ સેન્ટર સંચાલકોનો ભંડાફોડ
નિયમનો ગેરલાભ લઈને બીજા રાજ્યોમાંથી હથિયાર લાયસન્સ મેળવનારાં લોકોમાં મહદ્દઅંશે પોલીસ ચોપડે નોંધાઈ ચૂકેલા અસામાજીક તત્ત્વો, ક્રિકેટ અને અન્ય સટ્ટાબાજી કરનારાં ઉપરાંત અમુક કોલ સેન્ટર સંચાલકોનો પણ સમાવેશ થાય છે. ગેરકાયદે ધંધામાં રોફ જમાવીને આધિપત્ય સ્થાપિત કરનારાં તત્ત્વો સરકારી નિયમોની ત્રુટિઓનો ગેરલાભ લે છે તેને રોકનારું જાણે કોઈ નથી.