Health News: ગુજરાતમાં આરોગ્યની સેવાઓ કથળી રહી છે. એટલુ જ નહીં, એરોગ્ય વિભાગમાં કેટલી હદે પોલંપોલ ચાલી રહી છે તેનો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે. ગરીબ દર્દીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પૂરતુ ભંડોળ આપ્યું હોવા છતાંય ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડે દવાઓ માટે ખરીદી જ ન કરી. આ કારણોસર 1129 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વણવપરાયેલી રહી હતી. કેગના રિપોર્ટમાં જ એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે, ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન હોસ્પિટલોને દવાનો પૂરતો જથ્થો પૂરો પાડતું નથી. આ કારણોસર સરકારી હોસ્પિટલોમાં દવા ન અપાતાં ગરીબ દર્દીઓને નાછૂટકે મેડિકલ સ્ટોર પર નાણાં ખર્ચને દવાઓ ખરીદવી પડી રહી છે.
ગરીબ દર્દીની દવા પાછળ 78 ટકા જ ગ્રાન્ટ વપરાઈ
ખરીદીની જવાબદારી ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના માથે છે. દર્દીઓની દવાની ખરીદી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પૂરતુ ફંડ આપ્યુ હતું. દવા ખરીદવા માટે ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ પાસે 5240 કરોડ રૂપિયાનું ફંડ ઉપલબ્ધ હતું પણ 4111 કરોડ રૂપિયા જ ખચ્યાઁ હતાં. દવા પાછળ 78 ટકા જ ગ્રાન્ટ વપરાઈ હતી. વર્ષ 2005માં દવાની ખરીદીની એક નીતિ બનાવાઈ હતી. જરૂરી દવાઓની યાદી તૈયાર કરવી અને ખરીદી કરવા માટે એક કમિટી પણ બનાવાઈ છે. સરકારી હોસ્પિટલોની જરૂરિયાત મુજબ દવાઓનો જથ્થો આપવાનો હોય છે.
કેગ રિપોર્ટમાં થયા ખુલાસા
કેગ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે કે, ઘણી જરૂરી દવાઓની ખરીદીમાં રેટ કોન્ટ્રાક્ટ નક્કી કરાયા નથી. આ ઉપરાંત હોસ્પિટલોની માંગ સામે દવાનો પૂરતો જથ્થો ન અપાયો. વર્ષ 2016-17થી માંડીને વર્ષ 2021-22 સુધી હોસ્પિટલોને 41 ટકાથી માંડીને 60 ટકા જ દવા પૂરી પાડવામાં આવી હતી. ટૂંકમાં, દર્દીઓને દવાઓ મળી શકી ન હતી.
ખરીદી કર્યા બાદ આવશ્યક દવાઓ ગુણવત્તાયુક્ત છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી છે પરંતુ, આ દિશામાં ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ એકદમ નિષ્ક્રિય રહ્યું હતું. કેગે નોંધ્યું છે કે, દવાઓ ગુણવત્તાયુક્ત છે કે નહીં તેના રિપોર્ટ મેળવાયા નથી. છ-છ મહિના વિત્યા બાદ પણ દવા ચકાસણીના રિપોર્ટ મળ્યા નહતાં. જાણકારોનું કહેવું છે કે, જો રિપોર્ટ સમયસર ન મળે તો દર્દીઓને ગુણવત્તા વિનાની દવાઓ મળે જે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આમ, દવાઓની ખરીદીથી માંડીને જાળવણી કરવાના મામલે ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડમની નિષ્ક્રિયતા સામે આવી છે.
દર્દીઓ રામભરોસે…
રાજકોટ ગેમઝોનમાં આગ લાગતાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. આ ઉપરાંત સુરતમાં તક્ષશિલા આગકાંડમાં પણ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યાં હતાં. આગની દુર્ઘટનાઓ બની રહી છે તેમ છતાં રાજ્ય સરકારે કોઈ ધડો લીધો નથી. ગુજરાતમાં હોસ્પિટલોમાં પુરતી ફાયર સુવિધા નથી. કેગના રિપોર્ટ મુજબ, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં અંડરગ્રાઉન્ડ સ્ટેટિક વોટર ટેન્ક હોવી જોઇએ. આ પાણીની ટાંકી ફરજિયાત ભરેલી પણ હોવી જોઈએ. 36 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી નથી.
દવાઓ ગુણવત્તાયુક્ત છે કે નહીં તેના રિપોર્ટની વિગતો
અમરેલીમાં 873, ભૂજમાં 98, દાહોદમાં 307, હિંમતનગરમાં 218, વલસાડમાં 945, જામનગરમાં 916, અમદાવાદમાં 785, વડોદરામાં 479, સુરતમાં 1485, પાટણમાં 371 રિપોર્ટ મળ્યા ન હતા.