Heat wave Forecast in Gujarat: ઉનાળાએ માંડ પગરવ માંડ્યા છે, આ સાથે જ તાપમાનનો પારો ઉંચે જઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં ભલે મિશ્ર ઋતુનો માહોલ અનુભવાતો હોય પરંતુ એક સપ્તાહ પછી વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આકરી ગરમીની શરુઆત થવાની છે. તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર કરતાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં હોળીનો તહેવાર છે. ત્યારે હોળીના તહેવાર પહેલાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચના બીજા સપ્તાહથી ગરમી પ્રકોપ વરસવાનો છે જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે ગરમી પ્રકોપ વચ્ચે 6 થી 15 દિવસ સુધી હિટવેવની અસર રહેવાની છે. અગાઉના ઉનાળાની સરખામણીએ વર્ષ-2025માં ઉનાળાની ગરમીનો પ્રકોપ વધુ રહેશે એવી આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં 14 માર્ચથી ગરમી પ્રકોપ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માર્ચ મહિનામાં 1 થી 5 દિવસ સુધી હિટવેવના કારણે ગરમીનો તીવ્ર અનુભવ થવાનો છે. સામાન્ય રીતે સમગ્ર રાજ્યમાં હિટવેવના 2થી 6 દિવસ રહેતા હોય છે, પરંતુ આ વખતે માર્ચ માસ દરમિયાન હિટવેવનું મોજુ હાવિ થવાનું છે. હવામાન વિભાગ દ્વારા ગત રોજ તેના લાંભાગાળાના પૂર્વાનુમાનમાં ઉત્તર ગુજરાતમાં 14મી માર્ચથી આકરો ગરમી પ્રકોપ વરસવાની આગાહી કરી છે. જેમાં માર્ચના બીજા સપ્તાહથી તાપમાનનો પારો 42 ડિગ્રીને આંબવાની સંભાવના છે.
રાજ્યના મુખ્ય શહેરોના તાપમાનની વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થતાં અમદાવાદમાં પારો 35 ડિગ્રીએ પહોંચી ગયો છે, જ્યારે ગાંધીનગરમાં 34.8 ડિગ્રી, ડીસામાં 35 ડિગ્રી, વડોદરામાં 35.2 ડિગ્રી, સુરતમાં 34.1 ડિગ્રી, કંડલામાં 35.3 ડિગ્રી, જ્યારે રાજકોટમાં સૌથી વધુ 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.