HNGU News : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણની સ્થિતિ ખાડે ગઇ છે, ક્યારેય પેપર ફૂટી જાય છે તો ક્યારેક પરીક્ષામાં ચોરીઓ કરાવવામાં આવતી હોવાના કિસ્સા સામે આવે છે. તેમછતાં ગુજરાત સરકાર શિક્ષણ સ્તર સુધર્યું હોવાના બણગાં ફૂંકે છે. ત્યારે વધુ એકવાર HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) નો ફરી એક છબરડો અને ઘોર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે શિક્ષણ વિભાગની પોલ ઉઘાડી પાડી છે અને શિક્ષણ વિભાગ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જેને લઇને સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ પણ કરી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ અવાર-નવાર વિદ્યાર્થીઓના ન્યાય અને હિતમાં સોશિયલ મીડિયા પર ઘટસ્ફોટ કરતા યુનિવર્સિટી સામે આક્ષેપ કર્યા છે. યુવરાજ સિંહે આજે ફરી એકવાર સોશિયલ મીડિયા પર શિક્ષણ વિભાગને લાલિયાવાડી અને બેદરકારીને ઉઘાડી પાડતી પોસ્ટ કરી છે. જેમાં HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) દ્વારા એલ.એલ.બી. સેમિસ્ટર 4ની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પેપર પૂછવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા પૂછવામાં આવેલા પેપરમાં માર્ચમાં 2024 લખેલું છે. વર્ષ અને મહિનો સુદ્ધા બદલવાની તસદી લેવામાં આવી નથી. HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) માં અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી સ્થિતિ છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થાઓની એલ.એલ.બી સેમિસ્ટર 4ની હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં 7 એપ્રિલ 2025 ના રોજ ન્યાયશાસ્ત્રના વિષયનું પેપર હતું. પરીક્ષામાં જે પેપર પૂછવામાં આવ્યું હતું તે બેઠેબેઠું વર્ષ 2024નું હતું. પેપર પર માર્ચ 2024 લખેલું હતું, એટલું જ નહી પ્રશ્ન ક્રમાંક અને સમય સુદ્ધાં બદલવાની યુનિવર્સિટી દ્વારા તસદી લેવામાં આવી હતી. વર્ષ 2024નું બેઠેબેઠું પેપર 2025માં પૂછી નાખવામાં આવ્યું હતું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો, પરીક્ષા નિયામક ક કોલેજ સુદ્ધાએ ક્રોસ ચેક કરવાની તસદી લીધી ન હતી. જોકે વિદ્યાર્થીઓને ઘરે પહોંચ્યા પછી ખબર પડી હતી કે 2024નું પેપર નાખ્યું છે. યુનિવર્સિટીની આ બેદરકારી ઉડીને આંખે વળગે એવી છે, પરંતુ હજુ સુધી તંત્ર ઘોર નિદ્રામાં છે.
યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે ‘અમે આ બે કોલેજ ના પેપર ચેક કર્યા છે, જેમાં દેખીતું છબરડો સાબિત થાય છે. બની શકે અન્ય કોલેજમાં પણ આ લાપરવાહી થઈ હોઈ શકે. HNGU અને સરકારને વિનંતી કે કુંભકર્ણ નિંદ્રામાંથી બહાર આવે. અમારા આક્ષેપ ઉપર તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને વર્ષ ન બગડે તે રીતે અભિપ્રાય લઈને એક્શન લેવામાં આવે.