IT Notice on Flat purchase : ફ્લેટ ખરીદ્યો અને નોટિસ આવી ગઈ! બિલ્ડરને આપેલા ‘ઓન મની’નો હવે આપવો પડશે હિસાબ

Arati Parmar
By Arati Parmar 5 Min Read

IT Notice on Flat purchase : અમદાવાદના જાણીતા બિલ્ડરોની સ્કીમમાં ફ્લેટ ખરીદનારાઓને જે તે સ્કીમમાં ફ્લેટ ખરીદનારા પાસે ઓન મની તરીકે ચોક્કસ રકમ લેવાતી હોવાનું જાણ્યા બાદ આવકવેરા ખાતાની કચેરીએ ફ્લેટ ખરીદનારાઓને નોટિસ આપીને તેમણે રોકડના નાણાં આપ્યા કઈ રીતે અને તે લાવ્યા ક્યાંથી તેની વિગતો તેમની પાસેથી માગવા માંડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બી-સફલ, અવિરત ગ્રૂપ, શિવાલિક અને પીએસવાય ગ્રૂપની સ્કીમોમાંં ફ્લેટ ખરીદનારાઓને અને શિલ્પ એરોન કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓને ટેક્સ ડિમાન્ડની નોટિસ આપવામાં આવી છે. તેમના કેસ આવકવેરા ધારાની કલમ 147 હેઠળ રી-ઓપન કરીને આવકમાં ઉમેરો કરી દઈને મોટી ટેક્સની ડિમાન્ડ ઊભી કરી રહ્યા છે. રૂ. 30 લાખ ઓનના આપનારાઓને રૂ.. 50થી 60 લાખની ટેક્સની ડિમાન્ડ નોટિસો પાઠવવામાં આવી રહી છે. દરોડા દરમિયાન કોઈ વ્યક્તિના વોટ્સ એપમાં પેમેન્ટન મેસેજ મળે તો પણ તેવા સંજોગોમાં કરદાતાને નોટિસ આપી દેવામાં આવી રહી છે.

- Advertisement -

ફેસલેસ એસેસમેન્ટને કારણે એક્સ્ટ્રા ઇન્કમ ગુમાવી બેઠેલા આવકવેરાના અધિકારીઓએ કરદાતાઓને આ રીતે ભીંસમાં લેવા માંડયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાંય ખાસ કરીન જે બિલ્ડરો પર દરોડા પાડવામાં આવ્યા હોય તેની સ્કીમમાં ફ્લેટ ખરીદનારાઓને પણ આવકવેરા કચેરી ઝપટમાં લઈ રહી છે. તેમાં આઘાત પમાડે તેવી વાત તો એ છે કે બિલ્ડરે ચોરસ મીટર દીઠ રાખેલા ભાવ ઉપરાંત ઓનમની તરીકે કે પાર્કિંગ માટે લીધેલા નાણાંની વિગતો જણાવીને તમે પણ બિલ્ડરને તે પ્રમાણે નાણાં આપ્યા હોવાનું માનવામાં આવે છે તેથી તમે ઓનમની ક્યાંથી લાવ્યા અને કઈ રીતે ચૂકવ્યા તેનો હિસાબ રજૂ કરવા જણાવવામાં આવી રહ્યું છે.

કોઈ બિલ્ડરે વારદીઠ રૂ.. 11000નો ભાવ રાખ્યો હોય અને ચારસો વારના ફ્લેટ વેચ્યા હોય તો તેની કિંમત રૂ. 4.40 કરોડની થાય છે. તેમાંથી તમે રૂ. 2 કરોડ ચેકથી ચૂકવ્યા છે. બાકીને રૂ.. 2.40 કરોડ ક્યાંથી લાવ્યા તેનો ખુલાસો કરો અથવા તો તેના પર ભરવાપાત્ર ટેક્સ જમા કરાવી દેવાનો ઓર્ડર કરવામાં આવી રહ્યો છે.આમ ફ્લેટ ખરીદનારાઓ ફસાઈ રહ્યા છે. તેમણે ખુલાસાઓ કરવાની ફરજ પડી રહી છે. તદુપરાંત આવકવેરા અધિકારી ન માને તો અપીલમાં જવાની અને તેને માટે એક્સપર્ટને હાયર કરવાની ફરજ પડી રહી છે.

- Advertisement -

આવકવેરા અધિકારીઓને એક કરદાતાની એક્સેલશીટમાં રૂ.. 5.36 લાખની એન્ટ્રી મળી તો તે કોણે તેને આપ્યા તે જાણવાની ફરજ પાડવા દબાણ કર્યું હતું. આ કબૂલાત ન કરી હોવા છતાં તેની આવકમાં ઉમેરો કરીને નોટિસ આપી દેવામાં આવી છે. માત્ર ફ્લેટ કે કોમર્શિયલ પ્રોપર્ટી ધારકો જ નહિ, પરંતુ જમીનની લે-વેચ કરનારાઓ પણ સોદો કર્યા પછી આવકવેરા ખાતાના અધિકારીઓની ઝપટમાં આવી રહ્યા છે.

માત્ર તર્કને આધારે જમીનનો સોદો કરનારાઓને પણ નોટિસ આપવામાં આવી રહી છે. આ મુદ્દે આવકવેરાના કમિશનરને રજૂઆત કરવામાં આવે તો પણ કરદાતાની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ પ્રકારના સોદા કરનારાઓને રૂ.. 50 કરોડથી માંડીને રૂ.. 200 કરોડ સુધીની ટેક્સ ડિમાન્ડની નોટિસ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. નોટિસ મેળવનારાઓમાં બિલ્ડરોનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

બિનહિસાબી રકમ પર 78 ટકા ટેક્સ, 12 ટકા વ્યાજ અને 10 ટકા પેનલ્ટી લગાડવામાં આવી રહ્યા છે. પરિણામે ઘણીવાર ઓનમનીની કરવામાં આવેલી ચૂકવણી કરતાંય વધુ રકમ ટેક્સ અને પેનલ્ટી તરીકે જમા કરાવવાની આવે છે. આ સ્થિતિથી બચવા માટે એક એવું પણ સૂચન કરવામાં આવે છે કે ફ્લેટ ખરીદનારને નોટિસ મળ્યેથી તેણે બિલ્ડરનો સંપર્ક કરવો જોઈએ. બિલ્ડર તેમને જે જવાબ આપે તે જ પ્રમાણે જવાબ આપશે અને તેમના જવાબમાં એકરૃપતા હશે તો આવકવેરાની જફા ટળી જવાની સંભાવના રહેલી છે.

મળેલી ચિઠ્ઠીને આધારે ટેક્સ ડિમાન્ડનોટિસ આપવી અનુચિત

માત્ર ચિઠ્ઠી મળતા અનુમાનને આધારે ટેક્સ ડિમાન્ડ ઊભી કરી શકાય નહિ તેવું સુપ્રીમ કોર્ટે ભારતના પૂર્વ મંત્રી વિદ્યાચરણ શુક્લ વિરુદ્ધ સીબીઆઈના કેસમાં અવલોકન કરેલું છે. માત્ર ચિઠ્ઠી મળ્યા પછી અનુમાનને આધારે અને કોઈપણ જાતના પુરાવા વિના ટેક્સ ડિમાન્ડની નોટિસ આપી દેવામાં આવે તો તે ઉચિત નથી. ગુજરાતના જ એક વિસ્તારમાં એક વ્યક્તિએ આંગડિયા મારફતે રૂ.. 80 લાખ મોકલ્યા હોવાની ચિઠ્ઠી મોકલતા તે વ્યક્તિને નોટિસ આપીને તેને રૂ. 1.5 કરોડનો ટેક્સ જમા કરાવવાની નોટિસ આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વલણને પરિણામે ગુજરાત હાઈકોર્ટે પણ આવકવેરા કચેરીનો ઉધડો લીધો હોવા છતાંય નોટિસો આપવાનું અટકાવતા નથી.

Share This Article