Mahasammelan In Vinchhiya: ગુજરાતના CMને એક જ સમાજને રાજી કરવામાં રસ…! દલિત, ક્ષત્રિય, કોળી, ઠાકોરનું શું વાંક?અનામત આંદોલન વખતે પાટીદાર યુવાઓ સામે કરાયેલાં કેસો પાછા ખેંચવામાં આવ્યાં છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુર વિસ્તારમાં કરાયેલાં 167 કેસ પણ પરત ખેંચવામાં આવ્યાં છે. પાટીદારોના એક પછી એક કેસો પાછા ખેંચાતાં અન્ય સમાજના લોકો વિફર્યા છે. આ કેસ પાછા ખેંચવાની માંગ સાથે કોળી-ઠાકોરોએ મેદાનમાં ઉતરવા મજબુર થવુ પડ્યું છે. વિંછીયામાં કોળી-ઠાકોર સમાજે મહાસંમેલન યોજી કેસો પાછા ખેંચવા માંગ કરી છે. આગામી દિવસોમાં કેસો પાછા ખેચવાના મુદ્દે સરકાર સામે આંદોલન થઇ શકે છે.
કોળી-ઠાકોરોને કેસો પાછા ખેંચવા સંમેલન યોજવુ પડ્યું
અનામતની માંગ સાથે ગુજરાતમાં પાટીદારોએ આંદોલન કર્યુ હતું તે વખતે પાટીદાર યુવાઓએ સામે કરાયેલાં રાજદ્રોહ સહિતના કેસો તબક્કાવાર પાછા ખેંચવામાં આવી રહ્યાં છે. પાટીદારો તો રાજીના રેડ થયા છે. પરંતુ હવે મુસીબત એ થઈ છે કે, દલિતો, ક્ષત્રિયો, કોળી-ઠાકોરો સરકારથી નારાજ છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું કહેવુ છે કે, ‘ઉનાકાંડમાં દલિતો સામે કેસ થયા છે. ભાનુભાઇ વણકર આત્મવિલોપન કેસમાં કેસો થયાં છે. વડગામ મત વિસ્તારમાં સીએએ-એનઆરસીના મુદ્દે લધુમતીઓ સામે કેસો થયાં છે. કેવડિયા કોલોનીમાં જમીન સંપાદન મુદ્દે આદિવાસીઓ સામે કેસો થયાં છે. એમનું શું? મુખ્યમંત્રી આ બધાય પોલીસ ક્યારે પાછાં ખેચશે. જો સરકાર આ દિશામાં તુરંત પગલાં નહીં ભરે તો, આંદોલન કરીશું’
એવો પણ આક્ષેપ કરાયો છે કે, મુખ્યમંત્રીએ એક સમાજને રાજી કરવામાં રસ દાખવ્યો છે. દલિતો, ક્ષત્રિયો, કોળી- ઠાકોરો પ્રત્યે મુખ્યમંત્રી કેમ સહાનુભૂતિ દર્શાવી નહી તે સમજાતુ નથી. મંત્રી કુવરજી બાવળિયાના મત વિસ્તારમાં રવિવારે કોળી-ઠાકોરોએ પોલીસ કેસ પાછા ખેંચવાની માંગ સાથે મહાસંમેલન યોજ્યુ હતું.
રજૂઆત કર્યા પછી પણ સરકારના પેટનું પાણી હાલતુ નથી એટલે જ કોળી-ઠાકોરો મેદાને પડ્યાં છે. પદ્માવતી ફિલ્મના વિરોધમાં થયેલાં વિરોધ પ્રદર્શન વખતે ક્ષત્રિયો સામે પણ કેસો થયાં છે. અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય સરકાર ક્ષત્રિયોનું સાંભળતી નથી.