Mahesana News : ગુજરાતના મહેસાણામાં શિક્ષકોએ પરિવહન અને પ્રવાસની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અને ટેમ્પામાં બેસાડીને જાદુગરનો શો જોવા માટે લઈ જવાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના જીવના જોખમે પરિવહન માટે લઈ જવા મામલે વિવાદ સર્જાયો છે. જ્યારે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતાં શાળાને નોટિસ ઈસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
શિક્ષકોએ પરિવહન અને પ્રવાસની ગાઈડલાઈનનું કર્યું ઉલ્લંઘન
મહેસાણા પંથકમાં આવેલી તળેટી પ્રાથમિક શાળા, રામોસણા પગાર કેન્દ્ર શાળા સહિતના વિદ્યાર્થીઓને જીવના જોખમે શહેરના ટાઉન હોલ ખાતે જાદુગરનો શો જોવા માટે લઈ જવાયા હતા. જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ પરિવહન અને પ્રવાસની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અને ટેમ્પા બેસાડી લઈ ગયા હતા.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જીવના જોખમે ઘેટા-બકરાની જેમ ટ્રેક્ટર અને ટેમ્પામાં લઈ ગયા હતા અને વિદ્યાર્થીઓ પાસેથી 50 રૂપિયા લેવાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.
જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે અજાણ હોવાનું કહીને જણાવ્યું હતું કે, ‘પ્રવાસ સિવાયના આ પ્રકારના કાર્યક્રમ અંગે જાણ કરાતી નથી. જો કે, સમગ્ર મામલે શાળાના આચાર્યને નોટિસ ફટકારવામાં આવશે.’