Malaria Cases in Gujarat : ગુજરાતમાં મચ્છરજન્ય બીમારીના અંકૂશ પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોવા છતાં સ્થિતિ પર નિયંત્રણ માટે હજુ વર્ષો લાગી જશે તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ દર મહિને મલેરિયાના દરરોજ સરેરાશ 380થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. રાહતની વાત એ છે કે, 2019થી મલેરિયાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે.
એક જ વર્ષમાં મલેરિયાના નિદાન માટે 1.81 કરોડ કરતાં વધુ તાવના દર્દીના લોહીના નમૂના લેવાયા
ગુજરાતમાં વર્ષ 2021 થી ફેબ્રુઆરી 2025 સુધી મલેરિયાના 18469 કેસ નોંધાયેલા છે. જેની સરખામણીએ 2018માં 22114, 2019માં 13883 અને 2020માં 4771 કેસ નોંધાયા હતા. આમ, 2020થી મલેરિયાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થવા લાગ્યો છે. ગુજરાતમાં વર્ષ 2024માં મલેરિયાના 4365 કેસ નોંધાયેલા હતા જ્યારે 1 મૃત્યુ થયું હતું. ગત વર્ષે મલેરિયાના સૌથી વધુ 68893 કેસ ઓડિશામાં નોંધાયા હતા. સમગ્ર દેશમાં ગત વર્ષે મલેરિયાના કુલ 2.57 લાખ કેસ સામે આવ્યા હતા જ્યારે 76 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
આરોગ્ય વિભાગના દાવા અનુસાર ગુજરાતમાં મલેરિયા પોઝિટિવ દર 1 હજારની વસતીએ 1થી નીચે નોંધાયો છે. જેના પગલે સમગ્ર દેશમાં મલેરિયા નિર્મૂલન અંતર્ગત ગુજરાતનો કેટેગરી-2માંથી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2024માં આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયાના નિદાન માટે અંદાજે 1.81 કરોડ કરતાં વધુ તાવના દર્દીઓ શોધીને લોહીના નમૂના એકત્રિત કરી નિઃશુલ્ક નિદાન કરાયું હતું.
મેલેરિયાના ખાસ કરીને ચોમાસામાં સૌથી વધુ દર્દી નોંધાતા હોય છે.કોઇ દર્દી મેલેરિયા પોઝિટિવ છે નહીં તેની ચકાસણી માટે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં મેલેરિયાના દર્દીને ક્લોરોક્વિન અને પ્રીમાક્વિનની દવા આપી રેડિકલ સારવાર થાય છે.
અમદાવાદમાં 6 વર્ષમાં મલેરિયાના 96 કેસ નોંધાયાનો દાવો
અમદાવાદ જિલ્લામાં વર્ષ 2019 દરમિયાન 58 , 2020માં 20, 2021માં 5 , 2022માં 5 , 2023માં 2 અને 2024માં 6 મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ વર્ષે મેલેરિયાના એક પણ કેસ અત્યારસુધીમાં નોંધાયો નથી.અમદાવાદ જિલ્લામાં છેલ્લાં 5 વર્ષમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ નહીં થયાનો દાવો કરાયો છે.
મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા એઆઇ આધારિત ડ્રોન ટેકનોલોજી
એઆઇ આધારિત ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પિા સ્થાનો શોધવા અને લાર્વીસાઇડ છંટકાવ બાબતની કામગીરીનો પ્રોજેકટ અમદાવાદ જિલ્લાના ચાંગોદર જીઆઇડીસી, અને સાણંદ જીઆઇડીસીના સનાથલ, નવાપુરા, ચાંગોદર, મોરૈયા, ચા.વાસણા, બોળ, શિયાવાડા, છારોડી વિસ્તારોમાં વર્ષ 2024માં નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.