Pahalgam Terror Attack: ‘ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી? સરકારને ફક્ત પોતાની જ સુવિધા રાખવી છે’ , મૃતકની પત્નીનો સરકારને સળગતો સવાલ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળ પહેલગામમાં આતંકવાદી હુમલામાં ભાવનગરના બે અને સુરતના એક સહિત 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલા બાદ સુરતના મૃતક શૈલેષ કળથીયાની અંતિમ યાત્રા નીકળી હતી. શૈલેષ કળથીયાનો પાર્થિવ દેહ તેમના ભાઈના નિવાસ્થાને લાવવામાં આવ્યો ત્યારે ભારે ગમગીની જોવા મળી હતી. શૈલેષભાઈની અતિમ યાત્રામાં અનેક નેતાઓ પણ જોડાયા હતા. આ સમયે પોતાની નજર સામે જ પતિને ગુમાવનારા શિતલબેનનો ગુસ્સો આતંકવાદીઓ સાથે સાથે સરકારની સિસ્ટમ પણ પણ ફાટી નીકળ્યો હતો. તેઓએ સરકારની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા હતા. શિતલબેને નેતાઓને ધારદાર સવાલો કરતા ચારેતરફ સોંપો પડી ગયો હતો, તો નેતાઓના મોઢા જોવા જેવા થઈ ગયા હતા.

મૃતકની પત્ની શિતલબેને સરકારની કામગીરી સામે સવાલો ઊઠાવ્યા

- Advertisement -

શૈલેષ કળથીયાની અંતિમ યાત્રામાં કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ, MLA કુમાર કાનાણી અને વિનુ મોરડિયા જોડાયા હતા. આ નેતાઓની સામે જ મૃતકની પત્ની શિતલબેને સરકારની કામગીરી પર અનેક સવાલો ઊઠાવ્યા હતા, જેના જવાબ નેતાઓ આપી શક્યા ન હતા. પાટીલની હાજરીમાં મૃતક શૈલેષ કળથીયાના પત્ની શિતલબેને કહ્યું કે, ‘આ છોકરાઓનું ભવિષ્ય શું? દીકરાને એન્જિનિયર બનાવવો છે, દીકરીને ડોક્ટર બનાવવી છે. હું કઈ રીતે બનાવીશ. મારે ન્યાય જોઈએ, મારા છોકરાઓનું ભવિષ્ય ખરાબ ન થવું જોઈએ. મારા પતિની આટલા વર્ષની સર્વિસમાં તમે ટેક્સ કાપીને પગાર આપ્યો છે ને? અને ઉપર જતાં અમે કોઈ વસ્તુ ખરીદીએ, ક્યાય જઈએ તો ફરીથી ટેક્સ. ટોલ ટેક્સ બધા ટેક્સ અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી તો કોઈ સુવિધા નથી મળી તેનો મને ન્યાય જોઈએ.’

 મૃતકના પત્નીનો રોષ ભભૂક્યો

- Advertisement -

બધુ પતી જાય પછી ફોટા પડાવવા આવે છે?

સાંસદ સહિતના નેતાઓ સામે શિતલબેન જે બળાપો કાઢી રહ્યા હતા તેમને અટકાવવા કેટલાક લોકોએ પ્રયાસ પણ કર્યો, તો નેતાઓ પણ ત્યાંથી જવા માગતા હોય તેવું લાગ્યું પરંતુ શિતલબેને કહ્યું કે, ‘નહીં સર તમારે સાંભળવું જ પડશે. જ્યારે બધુ પતી જાય ત્યારે આપણી સરકાર આવી-આવીને ફોટા પાડે છે અને કહે છે કે, આર્મી ઓફિસર અહીંયા હતા. પોલીસ ઓફિસર અહીં હતાં. નેતાઓ પણ આવ્યાં છે. પછી આવ્યાં તેનો શું મતલબ? સરકાર પર ભરોસો રાખીને અમે ઉપર (કાશ્મીર) ગયા હતા.

- Advertisement -

બધા માટે મારે ન્યાય જોઈએ છે’

શિતલબેન અંતિમ યાત્રામાં ભાગ લેવા આવેલા તમામને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે, ‘મને ન્યાય જોઈએ. મારા એકના છોકરાઓ અને પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોના જીવ ગયા છે તે બધા માટે મારે ન્યાય જોઈએ છે. બધાના છોકરાઓનું ભવિષ્ય હોવું જોઈએ.’ મોદી સરકારને એક વિનંતી છે આ હુમલામાં અમારો આધાર સ્તંભ લઈ લીધો છે અમને ન્યાય જોઈએ છે’

મળતી માહિતી અનુસાર, શૈલેષભાઈ પોતાનો જન્મદિવસ મનાવવા માટે પરિવાર સાથે કાશ્મીર ગયા હતા. શૈલેષભાઈની પુત્રીએ 12માં ધોરણની પરીક્ષા આપી દીધા બાદ ફરવા માટે તેને કાશ્મીર લઈ ગયા હતા. જ્યાં બૈસારન ઘાટીમાં શૈલેષભાઈ આતંકી હુમલાનો ભોગ બન્યા હતા. પત્ની અને સંતાનોની નજર સામે જ શૈલેષભાઈને ગોળી મારવામાં આવી હતી.

 

 

Share This Article