Hemchandracharya North Gujarat University : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડ મામલે કોંગ્રેસના કાર્યકરો અને અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ કેસમાં કોર્ટ તરફથી જામીન મળવામાં વિલંબ થતાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર પોલીસ સમક્ષ હાજર થયા હતા. હાલ જ્યુડિશલ કોર્ટમાં જામીન અરજીનો મામલો ચાલી રહ્યો છે.
અગાઉ 14 લોકોની કરી હતી ધરપકડ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ કોંગ્રેસ અને NSUIના આગેવાનો દ્વારા ભૂખ હડતાલ, ધરણાં અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના આયોજન માટે કોઇપણ જાતની પરવાનગી લીધી ન હતી. જેથી પોલીસ જાહેરનામાનો ભંગ કરવા બદલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી 14 આગેવાનોની અટકાયત કરી હતી. ત્યારે આજે ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનો પોલીસ સ્ટેશન હાજર થયા હતા, ત્યારે પોલીસ 21 લોકોની અટકાયત કરી વધુ તપાસ કરી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બાસ્કેટ બોલના ખેલાડીઓએ રાતના સમયે હોસ્ટેલમાં દારૂ પાર્ટી કરી હતી. આ દરમિયાન હોસ્ટેલના રેક્ટરે ચેકિંગ કરતાં દારૂની મહેફિલ માણતાં ઝડપાયા હતા અને ખેલાડીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાના વિરોધમાં ધારાસભ્ય કિરીટ પટેલ, કોંગ્રેસ અને એનએસયુઆઇના આગેવાનોએ ભૂખ હડતાલ, ધરણાં અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો.
જો કે આ સંપુર્ણ કાર્યક્રમનું આયોજન કોઈપણ જાતની પરવાનગી લીધા વિના કરવામાં આવ્યું હતું જેને પગલે પોલીસે તેમના કાર્યક્રમમાં ભંગ પાડ્યો હતો. તે દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણનો મામલો સર્જાયો હતો. એવામાં એક કાર્યકરે ધારાસભ્યની કિરીટ પટેલની હાજરીમાં એક પોલીસ કર્મીને લાફો ઝીંકી દીધો હતો. જેને કારણે આ મામલાએ મોટું સ્વરુપ ધારણ કર્યુ હતું. આ મામલે 14ના નામ જોગ તેમજ 200 લોકોના ટોળા સામે પોલીસ કર્મચારીઓ પર હુમલા બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી.