પોરબંદર બન્યું `પૂરબંદર’ : 20 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 4 Min Read

રાજકોટ, તા. 19 : સંત-શૂરાની ભોમકા સૌરાષ્ટ્ર પર મેઘરાજા રીઝ્યા છે. હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું એવું વરુણદેવને જાણે કોઈએ કહ્યું હોય તેમ છેલ્લાં ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સચરાચર શ્રીકાર વર્ષા થઈ છે. ધીંગી ધરા નવપલ્લવિત થઈ ઊઠી છે. જો કે, દરિયાકિનારાનાં શહેર પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 20 ઇંચથી વધારે વરસાદ વરસી જતાં ત્યાંનું જનજીવન ખોરવાયું છે. આખું પોરબંદર, જળની અંદર ગરકાવ હોય તેવી સ્થિતિ છે. દ્વારકા જિલ્લામાં 16.5 ઇંચ વરસાદ પડયો છે.

rain flood water

- Advertisement -

કલ્યાણપરમાં 18 ઈંચ ખાબક્યો છે. જૂનાગઢમાં ગુરુવારે બપોરે શરૂ થયેલી મેઘસવારી શુક્રવાર સવાર સુધી ચાલુ હતી. ગિરનાર અને સમગ્ર જૂનાગઢ જિલ્લાએ લીલી ચાદર ઓઢી લીધી છે. વેરાવળમાં ગઈકાલથી આજ સુધીમાં 12 ઇંચથી વધારે વરસાદ પડયો છે. જેની ઘણા દિવસોથી સૌરાષ્ટ્રવાસીઓને પ્રતીક્ષા હતી તેવો વરસાદ પડયો છે. ક્યાંય મોટી જાનહાનિ કે હોનારત જેવું નુકસાન નથી. શહેર અને ગામોમાં પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. પરિવહન પર પણ આ વરસાદની અસર પડી છે. કોલીખડા ગામમાં 204 વ્યક્તિનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ પરિવારો માટે પ્રાથમિક શાળામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગઈ રાત્રે રાણાવાવમાં માતા – પુત્રી ઘરમાં પાણી ફરી વળતાં ફસાયા હતા તેમને પણ ટીમોએ બહાર સલામત રીતે લઈ આવી કામગીરી કરી હતી. એ જ રીતે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ભારવાડા નજીક રસ્તામાં અચાનક વરસાદી પાણી આવી જતાં એમ્બ્યુલન્સ ડૂબે એ પહેલાં જ દર્દી અને તેમના સગાને બચાવી લેવાયા હતા. એકંદરે પાણીગ્રસ્ત એરિયામાં ફસાયેલી 11 વ્યક્તિને રેસક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. ગુરુવારથી સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમની અસર શરૂ થઈ હતી. પોરબંદરમાં ગઈકાલે અને આજે સતત મેઘવર્ષા ચાલુ રહી હતી. ઉપલેટા, વંથલી વિસ્તારમાં ગુરુવારે વરસાદ વરસ્યો હતો. શુક્રવાર સાંજ સુધીમાં આ તમામ વિસ્તારોમાં જળપ્રલય જેવાં દૃશ્યો સર્જાયાં છે.

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 20 ઇંચ વરસાદ વરસી જતાં આખું શહેર પાણી પાણી થઈ ગયું છે. શહેરની અંદર અને બહારના વિસ્તારોમાં લોકોનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં છે. તંત્રે 500 લોકોનું સ્થળાંતર કર્યું હોવાના અહેવાલ છે. 1983માં થયેલી હોનારતની યાદ પોરબંદરવાસીઓને તાજી થઈ ગઈ હતી. ઘેડ વિસ્તાર આખો પાણી પાણી થઈ ગયો છે. ગીરની મધુવંતી અને ઓઝત નદીનું પાણી ત્યાં ફરી વળ્યું છે. બરડા ડુંગર વિસ્તારમાં પણ 12 ઇંચ વરસાદ થયો છે. કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે. ઘી અને સિંહણ ડેમ છલકાઈ ગયા છે. દ્વારકામાં શુક્રવારે બપોરે 4થી 6 દરમિયાન 9 ઇંચ વરસાદ પડયો છે. સતત એકધારો વરસાદ પડવાને લીધે બધે જ પાણી ભરાયું છે.

- Advertisement -

રેલવેના ટ્રેક ધોવાઈ ગયા છે. એસટીના 51થી વધારે રૂટને અસર થઈ છે. ટ્રાન્સફોર્મર અને વીજથાંભલા પડી જવાથી વીજપુરવઠા પર પણ અસર થઈ છે. સૌરાષ્ટ્ર પર જાણે કુદરતે જળાભિષેક કર્યો હોય તેવી રીતે વરસાદ વરસ્યો છે. સદ્નસીબે મેઘરાજાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું નથી તેથી મોટી સંખ્યામાં પશુ તણાવાના કે માણસોને નુકસાન થયાના ક્યાંયથી સમાચાર નથી. જો કે, ખેતી માટે પણ હવે પૂરતું પાણી છે. તેથી હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના પોરબંદર, ગીર- સોમનાથવાસીઓ કરી રહ્યા છે.

જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત સ્થિતિ પોરબંદર શહેર અને આસપાસના તાલુકા વિસ્તારમાં રહેવાની છે અને આ વિસ્તારમાં વીજળી એસટી માર્ગ પરિવહન સહિતના બંધ થયેલા રસ્તા અને સેવાઓ પુન: શરૂ કરવા માટે કામગીરી ચાલુ છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં સોસાયટીમાં પાણી ફરી વળે એ પહેલાં જ તાત્કાલિક રસ્તા પર કેનાલ કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. હજુ વરસાદની સ્થિતિ અને આગાહીનાં પગલે એસડીઆરએફની એક ટીમને પોરબંદર કલેક્ટરના હવાલે કરવામાં આવી છે અને આ ટીમ પોરબંદર પહોંચવામાં છે. વધુમાં ઉપરવાસથી પણ પાણીની આવક ચાલુ હોઈ ચાર અંકુશ વિભાગ હસ્તકના છ ભરતી નિયંત્રક સરોવરો છલકાઈ ગયા છે, પાંચ ડેમ પણ છલકાયા છે. ઘેડ વિસ્તારમાં પણ જરૂરી તકેદારી લેવામાં આવી છે.

- Advertisement -
Share This Article