Rajkot Civil Hospital: રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ગંભીર સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન થાય છે અને સામાન્ય ગરીબ લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે.’
‘મને હોસ્પિટલમાં ખૂબ ખરાબ અનુભવ થયો’
હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમની બહેનનો અકસ્માત થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવવા આવ્યા હતા. જ્યા તેમને હોસ્પિટલમાં કડવા અનુભવો જણાવ્યા હતા. જે અંગેનો વીડિયો પણ તેમણે શેર કર્યો હતો, જેમા તેમણે જણાવ્યું કે, ‘મારા બહેન ગરીબ માણસ છે, આખો પરિવાર ગૌશાળામાં નોકરી કરે છે. તે લોકો ચાલતા ચાલતા રાજકોટથી હળવદ માતાજીના દર્શન કરવા જતા હતા, ત્યારે રસ્તામાં મારી બહેનને એક ગાડીવાળાએ ઉડાવી દીધા, ગાડીવાળો ત્યાંથી ફરાર થઈ ગયો, મારી બહેનને હેમરેજ થયું અને તે બેભાન થઈ ગયા. તેમને સારવાર માટે રાજકોટ સિવિલમાં લાવ્યા હતા, હું પણ ત્યાંપહોંચ્યા પછી મને હોસ્પિટલમાં ખૂબ ખરાબ અનુભવ થયો.’
‘લુખ્ખાગીરી કરતાં હોય તેવું વર્તન દર્દીઓ સાથે’
તેમણે કહ્યું કે, ‘સરકાર પૂરૂ ધ્યાન આપે છે, હોસ્પિટલના ડોક્ટરો નથી આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. જેટલી પ્રાઈવેટ હોસ્પિટલમાં સુવિધા ન હોય તેટલી સિવિલ હોસ્પિટલમાં છે. પણ કોઈ ધ્યાન આપતું નથી. મારી બહેનનું 5 કલાકે સિટી સ્કેન થયું છે, સાહેબ 5 કલાકમાં માણસ મરી જાય. લાંબી લાઈન લાગેલી હતી, CCTV કેમેરામાં જોઈ શકો છો, મેં કહ્યું કે ફટાફટ આમને લઈ લો સિરિયસ છે, મને ડોક્ટરે જવાબ આપ્યો, વારો આવે તેમ આવે શાંતિથી બેસી જાવ. મેં કહ્યું હું હકાભા છું, સાહેબ મારી સાથે તમે આમ વર્તન કરો છો તો નાના માણસનું શું? લુખ્ખાગીરી કરતાં હોય તેવું વર્તન દર્દીઓ સાથે કરે છે. ગુજરાત સરકારની છબિ ખરડાય તેવી કામગીરી સિવિલ હોસ્પિટલ કરી રહી છે. તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી.