Rajkot Road Accident: રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનોને અને 6 લોકો અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતાં બસમાં તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો અને લાઠીચાર્જ કરીને લોકોના ટોળાને વિખેર્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સિગ્નલ વાહન ચાલકો ઉભા હતા, ત્યારે બેફામ ગતિએ સિટી બસ આવે છે અને સિગ્નલ પર ઉભેલા વાહનોને અડફેટે લઇ અકસ્માત સર્જે છે. વાહન ચાલકોને અડફેટે લઇ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે બસનો ચાલક દારુના નશામાં ધૂત હોવા અંગે પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર બસે 7થી 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. સિટી બસ ચાલકો અવાર નવાર સિગ્નલ તોડતા હોવાથી અકસ્માતો સર્જાતા હોય છે, આ અંગે તંત્રને રજૂઆત કરતાં કોઇ ધ્યાન આપતું નથી.