RTE Admission Process: રાઇટ ટુ એજ્યુકેશન (RTE) પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કરાયેલી ઓનલાઈન અરજીઓમાં 16 હજારથી વધુ ઓનલાઇન અરજીઓ અમાન્ય જાહેર થઈ છે. અરજી અમાન્ય થઇ હોય તેવા અરજદારો 21મીથી 23મી એપ્રિલ દરમિયાન જરૂરિયાત મુજબ ફરી અરજી કરી શકશે.
પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 28મીએ
બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ 1માં નબળા-વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા 19મી ફેબ્રુઆરીના જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. 15મી એપ્રિલ સુધી એકંદરે 2,38,916 જેટલી ઓનલાઈન અરજી મળી હતી. ઓનલાઈન અરજીની ચકાસણી દરમિયાન 16,926 જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય ગણાઈ છે. જે અરજદારોની ઓનલાઇન અરજી અમાન્ય થઈ છે.
આ અરજદારો 21મીથી 23મી એપ્રિલ દરમિયાન આરટીઈના વેબપોર્ટલ પર જઈને એપ્લિકેશન નંબર, જન્મ તારીખ દાખલ કરીને અમાન્ય થયેલી અરજીમાં જો કોઇ જરૂરિયાત મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માગતા હોય તો પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે. આ અંગની જાણ અરજદારોને એસએમએસથી કરાઈ છે. અમાન્ય અરજીઓની પુનઃચકાસણી 21થી 24 એપ્રિલ દરમિયાન કરાશે. પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 28મી એપ્રિલના જાહેર કરાશે.