અમદાવાદ, મંગળવાર
Sampark Setu App : જે વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવાના છે તેઓ માટે મહત્વના સમાચાર છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સમયે પરીક્ષા કેન્દ્ર શોધવામાં મુશ્કેલી પડતી હોય છે પણ હવે એ તકલીફ નહીં રહે. રાજ્યમાં પ્રથમ વખત એક એવી એપ્લિકેશન શરૂ થઈ છે, જેથી ઝડપથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રની શાળા મળી જશે. જિલ્લા શિક્ષણાધિકારીએ “સંપર્ક સેતુ” નામની એપ્લિકેશન શરૂ કરી છે. જાણો કેવી રીતે આ એપ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે.
સામાન્ય રીતે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે કેન્દ્ર ફાળવવામાં આવે ત્યારે કેન્દ્ર શોધવા માટે દોડાદોડ કરતા હોય છે અને તેમાંય તેઓને છેલ્લી ઘડીએ સેન્ટર શોધવામાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે એ તકલીફ વિદ્યાર્થીઓને નહીં થાય. એટલું જ નહીં, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે તેઓ દૂર દૂરના જિલ્લાઓમાંથી આવતા હોય છે અને તેઓને પરીક્ષાના દિવસે શાળાનું પરીક્ષા સેન્ટર નથી મળતું હોતું. તેઓ માટે પણ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ વિકસાવેલી “સંપર્ક સેતુ” એપ ઉપયોગી થશે. એટલે કે હવે શહેરની શાળાઓનો સંપર્ક હવે આંગળીના ટેરવે થશે.
અમદાવાદ શહેર DEOએ 2 હજાર શાળાઓને સમાવતી એપ્લિકેશન લોન્ચ કરી છે. અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે “સંપર્ક સેતુ” એપ્લિકેશન “સંપર્ક સેતુ” એપમાં અમદાવાદ શહેરની તમામ શાળાઓનો ડેટા મળી રહેશે. આ એપ્લિકેશનમાં શાળાનું લોકેશન, ઇમેઇલ, આચાર્ય અને ટ્રસ્ટીઓના નંબર એપમાં ઉપલબ્ધ રહેશે. એટલે બોર્ડની પરીક્ષામાં કેન્દ્ર પર પહોંચવામાં વાલી વિદ્યાર્થીઓને મુશ્કેલી નહિ પડે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને પણ કેન્દ્ર પળવારમાં મળી જશે.
આ ઉપરાંત ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા નજીક અમદાવાદ શહેર DEOએ તૈયારી શરૂ કરી છે. બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પ્રશ્નબેંક 2024 લોન્ચ કરાઈ છે. ડિજિટલ પ્રશ્નબેંકના કારણે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને લાભ થશે. અમદાવાદ સહિત રાજ્યના હજારો વિદ્યાર્થીઓ ડિજિટલ પ્રશ્નબેંકનો ઉપયોગ કરી શકશે. અંગ્રેજી, ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર સહિતના વિષયને લઈને પ્રશ્નબેંક બનાવાઈ છે. તજજ્ઞ શિક્ષકોના સહયોગથી ડિજિટલ પ્રશ્નબેંક બનાવવામાં આવી છે. ઘરે બેઠા પણ વિદ્યાર્થીઓ ડિજિટલ પ્રશ્નબેંકની મદદથી બોર્ડની પરીક્ષાની તૈયારી શકશે.