Saurastra University graduation ceremony: સૌરાષ્ટ્ર યુનિ.નો 59મો પદવીદાન સમારોહ ગત તા. 4 માર્ચના પુરો થઈ ગયા બાદ જે 42677 ઉમેદવારોને પદવી પ્રમાણપત્ર એનાયત કરવાનાં હતા તે પૈકી ગોલ્ડ મેડલ મેળવનાર 111 વિદ્યાર્થીઓને જ સમારોહ દરમિયાન પદવી પ્રમાણપત્ર એનાયત થયા છે. બાકીના 42,500થી વધુ પદવી પ્રમાણપત્રોનું પ્રિન્ટીંગ હજુ બાકી હોવાથી આ ઉમેદવારોને આગામી 20 દિવસ સુધી ડીગ્રી પ્રમાણપત્રો મળે તેવી કોઈ સંભાવના નહી હોવાનું જાણાવા મળ્યુ હતું.
સૌરાષ્ટ્ર યુનિ.નો 59મો પદવીદાન સમારોહ અગાઉ 29 ડીસે.ના યોજવામાં આવનાર હોવાનું જાહેર થયા બાદ તત્કાલીન વડાપ્રધાનના અવસાનને લીધે આ સમારોહ મોકુફ રાખવામાં આવ્યો હતો. તેથી 15,000થી વધુ પદવી પ્રમાણપત્રો નકામા થઈ ગયા બાદ ત્યાર બાદ તા. 4 માર્ચના આયોજિત પદવીદાન સમારોહમાં 42677ઉમેદવારોને જુદી-જુદી 14 વિદ્યાશાખાના પદવી પ્રમાણપત્રો આપવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ સમારોહમાં માત્ર ગોલ્ડ મેડલ મેળવનારા ઉમેદવારોને પદવી પ્રમાણપત્રો એનાયત થયા હતા. બાકીના ઉમેદવારોનો પદવી પ્રમાણપત્રોમાં રાજયપાલની સહી બાકી હોવાનું જણાવી આપવામાં આવ્યા ન્હોતા. દરમિયાન જે ઉમેદવારો આ સમારોહમાં અનુપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના પદવી પ્રમાણપત્રની ડીમાન્ડ કરતાં પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે હજુ પદવી પ્રમાણપત્રોનું પ્રિન્ટીંગ બાકી છે. આ કામ પુરૂ થઈ ગયા બાદ રાજભવનમાં સહી કરવા માટે ગાંધીનગર મોકલાશે. પદવી પ્રમાણપત્રમાં કુલાધિપતિની સહી થયા બાદ લેમીનેશન કરવામાં 15 થી 20 દિવસનો સમય પસાર થઈ જશે તેથી માર્ચ મહિના સુધી ઉમેદવારોને પદવી પ્રમાણપત્ર મળે તેવી કોઈ સંભાવના નથી. પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજભવનમાંથી પદવીદાન સમારોહના આયોજન માટે ટૂંકી નોટીસ મળતા પદવી પ્રમાણપત્રો તૈયાર થઈ શકયા નથી. જેમાં સહી કરવા માટે હવેગાંધીનગર મોકલવાની તારીખ માગવામાં આવી છે. યુનિ.માં લાંબા સમયથી પરીક્ષા નિયામકની જગ્યા ખાલી રહી છે. ઈન્ચાર્જને સોંપાતી પરીક્ષા વિભાગની જવાબદારીમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવતી હોવા છતાં પોલંપોલ ચાલતી રહી હોવાથી સરવાળે વિદ્યાર્થીઓએ હેરાન થવું પડે છે.