Scam in Gujarat : ગુજરાત રાજ્યમાં સરકારી જમીન પચાવી પાડવાનું વધુ એક કૌભાંડ મોડલ આકાર લઈ રહ્યું છે. કથિક વિકાસનું મોડલ ગણાતું ગુજરાત હાલમાં કૌભાંડોનું પણ એપીસેન્ટર છે. તાજેતરમાં જ જાહેરાત કરાઈ છે કે, ગુજરાત સરકારે રાજ્યના તમામ જિલ્લાના સિટી સર્વે વિસ્તારમાં સરકારી પડતર અને ખરાબાની ભાડાપટ્ટે અપાયેલી જમીન કાયમી હકથી ફાળવવાનો નિર્ણય કર્યો છે.
સસ્તા દરે જમીન આપીને કરોડો રૂપિયાના ભ્રષ્ટ્રાચારની આશંકા
રાજ્યના સિટી સર્વે વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતી આ જમીનો સામાજિક અને ધાર્મિક ટ્રસ્ટો, મોટા ઉદ્યોગપતિઓ અને કૌભાંડી અધિકારીઓ અને મળતિયા રાજકારણીઓને ભાડાપટ્ટે અપાયેલી છે. આ લોકોને સાવ સસ્તા દરે જમીન આપીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
ગુજરાત સરકાર જાહેર હરાજીથી કે ઉચ્ચક રકમ આપીને કાયદેસર 30 વર્ષથી વધુ સમયગાળાનો અધિકૃત ભાડાપટ્ટો ધરાવતા અને કાયદેસર ભાડાપટ્ટાની તબદિલી થઈ હોય એવા કિસ્સામાં કાયદેસરના ધારકને જંત્રીના 15 ટકા દરે અને માત્ર ભાડેથી જમીન આપેલી હોય એવા કિસ્સામાં જંત્રીના 30 ટકાના દરે જમીન આપી દેવાશે. ભાડાપટ્ટાની ગેરકાયદેસર રીતે તબદિલી કરનારા ધારકોને જંત્રીના 25 ટકા ભાવે આ જમીનો આપી દેશે. આ પ્રકારના કિસ્સામાં માત્ર ભાડેથી જમીન આપી હોય એવા કિસ્સામાં જંત્રીના 50 ટકાના રાહત દરે જમીનો આપી દેવાશે.
જમીનો ખરાબાની નહીં પણ સારી સ્થિતિમાં હોવાની ચર્ચા
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે કરેલા ઠરાવમાં 1 કરોડ રૂપિયા સુધીની કિંમતની જમીનોના નિકાલની સાા જિલ્લા કલેક્ટરને આપી છે. 1 કરોડ રૂપિયાથી વધુની જમીન હોય તો તેની દરખાસ્ત ગુજરાત સરકારને મોકલવાની રહેશે અને ગુજરાત સરકાર એ અંગે નિર્ણય લેશે. સરકારના ઠરાવ મુજબ બે વર્ષની અંદર જમીન ધારકે અરજી કરવાની રહેશે અને જમીનનો કાયમી ધોરણે નિકાલ કરતી વખતે જંત્રી પ્રમાણેની સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની રહેશે. ગુજરાત સરકારે તેના ઠરાવમાં આ જમીનો ખરાબાની કે પડતર હોવાનો ઉલ્લેખ કર્યો છે પણ વરસોથી વપરાતી આ જમીનો સારી હાલતમાં છે અને ઉપયોગમાં લેવાય એવા છે.
ગજબનું આયોજન, 14 મહિનામાં ભલામણો, 4 મહિનામાં અમલ!
ગુજરાત સરકારે આ મામલે નિર્ણય લેવામાં જે સ્ફૂર્તિ બતાવી છે એ દંગ કરનારી છે. સામાન્ય રીતે સરકારી તંત્રમાં કોઈ પણ કામનો નિકાલ થતાં વરસો લાગી જતાં હોય છે. આ કેસમાં સરકારે 2023ના નવેમ્બરમાં નિયમોમાં સુધારો સૂચવવા માટે સમિતી રચી હતી. આ સમિતીએ માત્ર 14 મહિનામાં તેનો રીપોર્ટ તૈયાર કરીને 1 જાન્યુઆરી, 2025ના રોજ સરકારને આપી દીધો અને ચાર મહિના કરતાં ઓછા ગાળામાં સરકારે આ ભલામણોનો અમલ કરીને ઠરાવ પણ કરી નાંખ્યો.
અબજોની જમીન સરકાર માત્ર 10 ટકા ભાવે વેચી દેશે
ગુજરાત સરકાર ભાડાપટ્ટે અપાયેલી જમીનોના ભાડાપટ્ટા રદ કરીને જાહેર હરાજીથી આ જમીનો વેચીને કરોડો રૂપિયાની કમાણી કરી શકે તેમ છે. તેના બદલે સરકાર કબજેદારોને રાહત દરે જમીન આપી રહી છે. આઘાતજનક વાત એ છે કે, આ રાહત દર પણ હાલના જંત્રીના દર પ્રમાણે નહીં પણ જંત્રીના મહામ 60 ટકા દર રખાયા છે. સામાન્ય રીતે બજાર ભાવ જંત્રી કરતાં ચારથી પાંચ ગણા હોય છે એ જોતાં સરકાર આ જમીનોના બજાર ભાવના મહામ 10 ટકા રકમ લઈને જમીનો આપી રહી છે એ આઘાતજનક છે.
જમીનના ભાડાપટ્ટાના સમયગાળાના આધારે કિંમત નક્કી થશે
ટૂંકાગાળા એટલે કે 7 વર્ષથી 30 વર્ષ સુધીના ભાડાપટ્ટે અપાયેલી જમીનોના કેસમાં હરાજીથી કે ઉચ્ચક રકમ આપીને કાયદેસર 30 વર્ષથી વધુ સમયગાળાનો અધિકૃત ભાડાપટ્ટો ધરાવતા અને કાયદેસર ભાડાપટ્ટાની તબદિલી થઈ હોય એવા કિસ્સામાં કાયદેસરના ધારકને જંત્રીના 20 ટકા દરે અને માત્ર ભાડેથી જમીન આપેલી હોય એવા કિસ્સામાં જંત્રીના 40 ટકાના દરે જમીન આપી દેવાશે. ભાડાપટ્ટાની ગેરકાયદેસર રીતે તબદિલી કરનારા ધારકોને જંત્રીના 30 ટકા ભાવે આ જમીનો આપી દેશે. આ પ્રકારના કિસ્સામાં માત્ર ભાડેથી જમીન આપી હોય એવા કિસ્સામાં જંત્રીના 60 ટકાના રાહત દરે જમીનો આપી દેવાશે. આ તમામ કિસ્સામાં ધારક એસસી, એસટી કે ઓબીસી સમાજનો હોય તો બીજી 20 ટકા રાહત અપાશે.