Surat BJP President : સુરતનું નેતૃત્વ બદલાશે? PM મોદીની મુલાકાત પહેલાં નવા પ્રમુખની જાહેરાત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Surat BJP President : આગામી 7 માર્ચના રોજ સુરતની મુલાકાતે વડાપ્રધાન આવી રહ્યા છે. વડા પ્રધાનના સુરત આગમન વખતે શહેર ભાજપના નવા પ્રમુખ જોવા મળે તેવી પુરેપુરી શક્યતા છે. આજે વહેલી સવારે ગુજરાતના વિવિધ શહેર અને જિલ્લાના પ્રભારી-ક્લસ્ટર અધિકારીઓ અને ભાજપના મોટા નેતાઓ વચ્ચે વર્ચુઅલ થયેલી બેઠકમાં મોટા ભાગે ગુરુવારે શહેર જિલ્લાના પ્રમુખના નામની જાહેરાત કરી દેવા માટે તૈયારી થઈ રહી છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કાર્યકાળ પુરો થયા બાદ નવા પ્રમુખ માટે અનેક વખત અટકળો ચાલી હતી. તેની સાથે સાથે સુરત સહિત ગુજરાતના તમામ શહેર અને જિલ્લાના પ્રમુખ માટે પણ સેન્સ લેવાની પ્રક્રિયા પણ પુરી થઈ ગઈ છે છતાં પ્રમુખના નામ જાહેર કરવામા આવ્યા નથી તેથી અનેક અટકળો થઈ રહી છે. સુરતમાં પણ પ્રમુખ માટે અનેક અટકળો ચાલી રહી છે. સુરત શહેર પ્રમુખ માટે 65 લોકોએ દાવેદારી કરી છે તેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

હવે આજે સવારે સુરત સહિત ગુજરાતના અન્ય શહેર અને જિલ્લાના નિમાયેલા ચૂંટણી અધિકારી અને ક્લસ્ટર અધિકારી-પ્રભારી સાથે ભાજપની ટોચની નેતાગીરીની વર્ચ્યુઅલ બેઠક થઈ છે તેના આધારે પ્રમુખના નામના કવર બનાવી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રમુખના નામ કવરમાં સીલ કરી દેવામા આવ્યા છે. ગુરૂવારે સાંજ સુધીમાં જિલ્લાના પ્રભારી-ક્લસ્ટર આ બંધ કવર જે તે શહેરમાં જઈને ખોલીને પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. જેમાં સુરતના મેન્ડેટ લઈ રંજન ભટ્ટ, ડાંગ તાપી જિલ્લા માટે જનક બગદાણાવાળા બંધ કવર લઈ જશે અને પ્રમુખના નામની જાહેરાત કરશે.

પ્રમુખ માટે ભાજપે ક્રાઈટેરિયા જાહેર કર્યા છે તે ક્રાઈટેરિયા પ્રમાણે પ્રમુખ બનાવવામાં આવે છે કે ક્રાઈટેરિયાનો ભંગ કરીને પ્રમુખ બનાવવામાં આવે છે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. સુરતમાં પ્રમુખ માટે ભારે રસાકસી જોવા મળી રહી છે અને વડાપ્રધાનની સભા પહેલા નવા પ્રમુખ આવે અને પ્રમુખમાં બદલાવ આવે તેવી પણ અટકળો જોવા મળી રહી છે. જોકે, સુરત પ્રમુખની નિમણુંકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો હાથ ઉપર રહેશે તેવી પણ અટકળો ચાલી રહી છે. આ ઉપરાંત એવી પણ અટકળો ચાલી રહી છે કે પ્રમુખ માટે જે લોકોએ દાવેદારી કરી છે તેની બહારના પણ પ્રમુખના નામ જાહેર થઈ શકે છે.

- Advertisement -
Share This Article