Theft of limestone: ગીરસોમનાથ પંથકમાં ખાણ માફિયાઓ દ્વારા જુદી જુદી રસમો અપનાવી સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખી નિયત લીઝ વિસ્તાર કરતા વધુ વિસ્તારમાંથી ખનન કરીને ખનીજ ચોરી કરવામાં આવે છે. જેની સામે કલેકટર સહિતના અધિકારીઓએ કડક સકંજો કસ્યો છે. ઉના અને કોડીનાર તાલુકામાં ઈસમો દ્વારા કુલ 4,06,571 મેટ્રિક ટન કુલ રૂ. 20.48 કરોડની ખનિજ ચોરી કરવા બદલ દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતેના ખાનગી માલીકીના સર્વે નં- 63 પૈકી 1વાળી જમીન મહેન્દ્રસિંહ રાણાભાઇ મકવાણાએ કોઇપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદે બિલ્ડીંગ લાઇમસ્ટાન ખનીજ ખનન કરવામાં આવી હતી. જે વિસ્તારની માપણી હાથ ધરતા કુલ- 2,18,472 મે.ટન ખનીજ ચોરી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેની ખનીજ કિંમત કુલ રૂ. 11.01 કરોડ થાય છે. જેની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ જ રીતે ઉના ખાતેના ખાનગી માલિકીના સર્વે નં-205/ 2/2/2/2 માં 0.71.27 હેક્ટર વિસ્તારમાં નવનીતભાઇ કનકભાઇ જાદવની મંજૂર થયેલ લીઝની તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટાન ખનીજ ખનન/વહન કરવાનું ધ્યાને આવ્યું હતું. આ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ- 89,466 મે.ટન ખનીજ ચોરી કરી હોવાનું માલુમ પડયું હતું. જેની ખનીજ કિંમત કુલ રૂ 4.50 કરોડ જેની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, ઉના તાલુકાના આમોદ્રા ખાતેના ખાનગી માલીકીના સર્વે નં- 759 પૈકી 1 /પૈકી 2માં 0.40.47 હેક્ટર વિસ્તારમાં મહમદ ઇકબાલ ઉસ્માનગી સોરઠીયાની મંજૂર થયેલી લીઝની તપાસ હાથ ધરતા લીઝ વિસ્તારના ક્ષેત્રફળની માહિતી તંત્રને ગેરમાર્ગે દોરવા ખોટી બતાવવામાં આવી હતી અને તપાસણી સમયે ગેરકાયદે લીઝ બૂરાણ કર્યાનું ધ્યાને આવ્યું હતું. જે ગેરરીતિ બદલ બિલ્ડીંગ લાઇમસ્ટાન ખનીજ ખનન કરેલ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ- 98,633 મે.ટન ખનીજ ચોરી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેની ખનીજ કિંમત કુલ રૂ. 4.07 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.