Uttarvahini Parikrama: ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા 29મી માર્ચથી શરુ થઈ છે. આ પરિક્રમા શરુ થયાના બે દિવસમાં 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે. પરિક્રમામાં આવેલ શ્રદ્ધાળુઓને સુરક્ષા પૂરી પાડવા નર્મદા પોલીસે સુચારી વ્યવસ્થા પૂરી પાડી હતી.
નર્મદામાં શનિવાર(29મી માર્ચ)થી ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ થયો છે. છેલ્લા બે દિવસમાં 50 હજારથી વધારે શ્રદ્ધાળુઓએ 21 કિ.મી.ના રૂટ પર પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. નોંધનીય છે કે, પરિક્રમાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટેન્ટ અને રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પરિક્રમમાં કોઈ અનિચ્છિનિય ઘટના ન બને તે માટે પોલીસ અને તરવૈયાઓ નદી કિનારે સજ્જ કરી દેવામાં આવ્યા છે.
નર્મદા પરિક્રમા કીડી મકોડી ઘાટથી શરુ થાય છે
શિવપુત્રી તરીકે ઓળખાતી પવિત્ર નર્મદા નદીની પરિક્રમામાં પૂર્ણ પરિક્રમા જેટલું જ ધાર્મિક મહત્ત્વ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું છે. જે 21 કિ.મી.ની જ પરિક્રમા થાય છે. નર્મદા નદીની પરિક્રમા રામપુરા ગામના કીડી મકોડી ઘાટથી શરુ થાય છે. ત્યારબાદ આગળ વધતા તિલકવાડા પાસે નદીના કિનારાની જગ્યાએથી નાવડીમાં બેસી નદી પાર કરી સામે કિનારે જઈ પાછું નાવડીમાં આવવાનું હોય છે. એટલે પરિક્રમા કરતી વખતે બે વખત નર્મદા નદીને પાર કરવાની રહે છે. આ ઉપરાંત પરિક્રમાને ધ્યાનમાં રાખીને હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે જેટી તૈયાર કરવામાં આવી છે.