Vadodara Child Development Center: વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં જતા 4 વર્ષના બાળકના પગ પર મેડમ બેસી ગયા હતા અને ડરાવ્યો હતો. જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. જેના આધારે બાળકની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શું હતી ઘટના?
શહેરના એક વેપારીનો 4 વર્ષનો દીકરો ઓછું બોલતો હતો. તેની ઉંમરના બાળકો સાથે તે યોગ્ય રીતે વાતચીત અને દોસ્તી પણ કરતો નહતો. જેથી, તેને 25 ફેબ્રુઆરીએ પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સની સામે આવેલા ન્યૂ હોરિઝોન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂકાયો હતો. જે સેન્ટરના હેડ મીરાબેન છે. ગત 15 ફેબ્રુઆરીએ માતા-પિતા પુત્રને સેન્ટર પર મૂકવા ગયા ત્યારે તે ખૂબ જ રડતો હતો. પરંતુ, રૂમમાં અંદર ગયા પછી થોડીવારમાં તે ચૂપ થઈ ગયો હતો. ક્લાસ પૂરો થયા પછી પુત્રને લઈને માતા-પિતા કારમાં પરત જતા હતા. તે સમયે દીકરાએ માતાને કહ્યું કે, ‘મેડમ બહોત ગુસ્સે મેં થી ઔર મુજે મારા.’ જેથી, માતાએ મીરા મેડમને પૂછ્યું તો તેમણે આવું કંઈ થયું હોવાની ના પાડી હતી. માતાએ સીસીટીવી કેમેરા જોવાનું કહેતા મેડમે એવો જવાબ આપીને વાત ટાળી દીધી કે, તેનું એક્સેસ મુંબઈ હેડ ઓફિસમાં છે એટલે બે થી ત્રણ દિવસ લાગશે.
ત્રણ દિવસ પછી માતા-પિતાએ સીસીટીવી જોતા તેઓ ચોંકી ગયા હતા. મીરા મેડમે તેમના દીકરાને પટકારીને ખૂણામાં બેસાડી દીધો હતો. ત્યારબાદ તેઓ બાળકના પગ પર બેસી ગયા હતા અને તેના મોંઢા પાસે જઈ ડરાવી ધમકાવ્યો હતો. તેમજ તેમનો બાળક જ્યારે રૂમમાં ગયો ત્યારે પૂજા મેડમ ઝૂલા ઝૂલતા હતા. પરંતુ, તેમણે કોઈ ધ્યાન નહતું આપ્યું. ઉપરોક્ત આક્ષેપ કરતી ફરિયાદના આધારે મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તમે એવો તો શું મેજીક કર્યો કે, બાળક ચૂપ થઈ ગયો?
ફરિયાદમાં માતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, પુત્રે અચાનક રૂમમાં ગયા પછી રડવાનું બંધ કરી દીધું હતું. ક્લાસ પૂરો થવાના 10 મિનિટ પહેલા મીરા મેડમે માતા-પિતાને ફિડબેક માટે તેમને રૂમમાં બોલાવ્યા હતા. માતા-પિતાએ મેડમને પૂછ્યું કે, તમે એવો તો શું મેજીક કર્યો કે, બાળક ચૂપ થઈ ગયો. ત્યારે મેડમે એવો જવાબ આપ્યો કે, ‘મૈને ઉસકો એસા બોલા કિ મમ્મી પાપા કે પાસ જાના હૈ તો ચૂપચાપ એક્ટિવિટી કરો. એટલે તે ચૂપ થઈ ગયો.’