Vijay Mali Bribe Case: અમદાવાદ શહેર પોલીસના હેડ કોન્સ્ટેબલ વિજય માળી પાસે ચાર મકાન, ત્રણ કાર અને 26 લાખની એફ.ડી. સહિત પગાર સામે ખર્ચ અંગેની તપાસ બાદ સવા કરોડ રૂપિયા જેટલી અપ્રમાણસર મિલકતો જણાતાં એ.સી.બી.માં વિધીવત ગુનો નોંધી તપાસ કાર્યાહી હાથ ધરાઈ હતી. એકાદ વર્ષ અગાઉ સ્પામાંથી તોડબાજીના આક્ષેપો અંગે એસીપી દ્વારા તપાસ યોજવામાં આવ્યા પછી ગુનો નોંધાતાં તોડબાજી કરતાં પોલીસકર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસકર્મી સામે સવા કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
અમદાવાદ શહેર પોલીસના અને હાલ સજારૂપે દેવભુમિ દ્વારકા પોલીસ હેડકવાર્ટરમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલ વિજય જયરામભાઈ માળી સામે એ.સી.બી.માં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે. એસીપી એચ.એમ. કણસાગરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વિજય માળી દ્વારા 20 વર્ષમાં સ્થાવર અને જંગમ મિલકતો ખરીદી હોવાનું ફલિત થયું હતું. વિજય માળીએ સુભાષબ્રીજ પાસે સરલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ, ગોધરા ખાતે પત્નીના નામે વર્ષ 2008માં ખાનગી પ્લોટ, પોતાના વતન મહારાષ્ટ્રમાં વર્ષ 2017માં ત્રણ વિઘા જમીન રોકડાથી ખરીદવા ઉપરાંત વર્ષ 2024માં પત્ની અને પોતાના સંયુક્ત નામે મહારાષ્ટ્રના ઘુલે ખાતે મકાન ખરીદ્યું હતું. વિજય માળી પાસે ત્રણ કાર અને ટુ વ્હીલર ઉપરાંત પત્ની-પોતાના સંયુક્ત ખાતામાં પોસ્ટ ઓફીસમાં 26 લાખની એફ.ડી.નું રોકાણ મળી આવ્યું હતું.
વર્ષ 1999માં અમદાવાદ પોલીસ દળમાં જોડાયેલા વિજય માળીનો અપ્રમાણસર મિલ્કત અને રોકાણ ખર્ચ રુપીયા 1.3 કરોડનો આવ્યો છે, જે પૈકી રૂપીયા 31.6 લાખની મિલ્કત, રોકાણ વધારે એટલે કે 23.55 ટકા વધુ જણાતાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને 1988 ની કલમ 13(1)(ઇ) તથા 13(2) મુજબનો ગુન્હો રાણીપ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો છે.
વિજય માળીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનથી નોકરી શરૂ કર્યા પછી માધવપુરા, શાહપુર, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ, મહિલા પોલીસ સ્ટેશન, રિવરફ્રન્ટ વેસ્ટ અને છેલ્લે મહિલા સેલમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવ્યા બાદ વર્ષ 2021-22માં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મેળવી હતી. ડીજીપી દ્વારા તપાસ સોંપવામાં આવી તે સાથે દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરાયેલા હેડ કોન્સ્ટેબલ વિજય માળીની સત્તાવાર પગારની આવક કરતાં 23.55 ટકા જેટલી અપ્રમાણસર રકમના રોકાણની જાણ સક્ષમ અધિકારીને જાણ કરવામાં આવી ન હોવાથી એસીબીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ એસીપી ડી.વી. રાણા કરશે.