VS Hospital clinical trials : “V S હોસ્પિટલમાં દર્દીઓ પર રૂ.200માં ક્લિનિકલ ટ્રાયલ! ફાર્મા કંપનીઓ દ્વારા દસ્તાવેજો આપવાનો ઈનકાર”

Arati Parmar
By Arati Parmar 5 Min Read

VS Hospital clinical trials : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં વર્ષ-2021થી 58 જેટલી નેશનલ અને ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ અંદાજે 500 જેટલા દર્દીઓ ઉપર તેમની પ્રોડકટસના પરિક્ષણ કરી નાંખ્યા હોવાનો તપાસ સમિતિના વચગાળાના અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. આ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ રૃમેટો આર્થરાઈટીસ ઉપરાંત ચામડીના રોગ, વેકસિનના પરીક્ષણ કર્યા હોવાનું બહાર આવ્યુ છે.

એન.એચ.એલ.મેડીકલ કોલેજના ફાર્મેકોલોજિસ્ટ ડોકટર સુપ્રિયાના કહેવા અનુસાર, કંપનીઓ દ્વારા દર્દીઓ ઉપર તેમની પ્રોડકટસના પરિક્ષણ દર્દીઓની સંમતિથી કરાયા હતા.ચાર વર્ષથી વી.એસ.હોસ્પિટલમાં એથિકલ કમિટીના અસ્તિત્વ વગર આટલી મોટી સંખ્યામાં તેમની પ્રોડકટસનું દર્દીઓ ઉપર પરિક્ષણ કરાયુ તેમ છતાં મોટાભાગની ફાર્માસ્યુટીકલ કંપનીઓએ તપાસ માટે ડોક્યુમેન્ટસ પણ આપવાનો ઈન્કાર કરી દીધો છે. તપાસ કમિટીએ મોટી ફાર્મા કંપનીઓ માટે કામ કરતા અલગ અલગ સ્તોત્રમાંથી વિગત એકઠી કરી આ કૌભાંડની તપાસ આગળ વધારી છે.જયારે વી.એસ.હોસ્પિટલમાં કલિનીકલ પરિક્ષણ અંગે પોલીસ ફરિયાદ કરવા મામલે પણ હજુ સુધી મ્યુનિસિપલ વહીવટી તંત્ર કે સત્તાધીશો મગનુ નામ મરી પાડવા તૈયાર નથી.

- Advertisement -

વી. એસ.હોસ્પિટલ ખાતે વર્ષ-2021થી ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા તેમની પ્રોડકટસના ટ્રાયલ વિવિધ પ્રકારના દર્દીઓ ઉપર કરવામાં આવતા આ બાબતથી મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ કે સત્તાધારી પક્ષના હોદ્દેદારો અજાણ તો નહતા.વર્ષ-2021માં હાલના ટી.પી.કમિટીના ચેરમેન અને એ સમયના વી.એસ.બોર્ડના સભ્ય પ્રિતીશ મહેતાએ વી.એસ.બોર્ડમાં આ બાબતમાં મૌખિક રજૂઆત કરી હતી. એ સમયે તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટે એવો જવાબ આપ્યો હતો કે, તમને એવું લાગતુ હોય તો રાજીનામુ આપી દઉં. આ બાબત સમય જતા બાજુ ઉપર મૂકી દવાઈ અને સત્તાધારી પક્ષે તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા માંગવામાં આવેલી સ્વૈચ્છિક નિવૃત્તિને પણ મંજૂર કરી દીધી હતી.

બે મહિના અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ પણ વી.એસ.હોસ્પિટલમાં કરવામાં આવતા દર્દીઓ ઉપરના કિલીનકલ પરિક્ષણને લઈ રજૂઆત કરી હતી. આ રજૂઆત પછી મ્યુનિસિપલ કમિશનરે આ બાબતને ગંભીરતાથી લઈ એન.એચ.એલ.મેડીકલ કોલેજના ડીન,વી.એસ.હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ, ડાયરેકટર વિજિલન્સ વગેરેની એક કમિટી બનાવાઈ હતી.કમિટીએ સઘન તપાસ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કિલીનીકલ રીસર્ચ અને નાણાંકીય વ્યવહારોની અનિયમિતતા મામલે પગલા લેવા અહેવાલ રજૂ કર્યો હતો.

- Advertisement -

ફાર્મા કંપનીઓ ટ્રાયલ દીઠ દર્દીઓને 200થી 500 રૂપિયા અપાતા હતા

તપાસ કમિટીએ રજૂ કરેલા વચગાળાના અહેવાલ પછી કમિટીના સભ્યો પહેલી વખત મિડીયા સમક્ષ કહ્યું, વિવિધ ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા તેમની પ્રોડકટસના ટ્રાયલ માટે રુપિયા 200થી 500 આપવામાં આવતા હતા. કોઈ મોટી ફાર્માસ્યુટીકલ કંપની હોય તો વધારે રકમ દર્દીને તેમની પ્રોડકટસના ટ્રાયલ માટે આપતી હતી.

- Advertisement -

ફાર્માસ્યુટીકલ કંપની તેમની પ્રોડકટસની ટ્રાયલ કેવી રીતે કરે છે?

કોઈપણ ફાર્મા કંપની તેમની નવી પ્રોડકટસનો પહેલો ટ્રાયલ પશુઓ ઉપર કરે છે. જે પછી જે તે રોગના દર્દી ઉપર તેમની પ્રોડકટસનો ટ્રાયલ કરવામાં આવતો હોય છે. દર્દીઓ ઉપર ટ્રાયલ કરતા પહેલા તેમણે નેશનલ મેડીકલ કાઉન્સિલ ,હોસ્પિટલની એથિકલ કમિટી,દર્દીની મંજૂરી લેવાની હોય છે. વી.એસ.હોસ્પિટલમાં બહાર આવેલા પરિક્ષણ કૌભાંડમાં ફાર્મા કંપનીઓએ અલગ અલગ એથિકલ કમિટીની મંજૂરી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ પૈકી મોટાભાગની કમિટી તો માન્યતા પણ ધરાવતી નથી.

કંપનીઓ તરફથી હોસ્પિટલને ફંડ પણ અપાયું નથી

વી.એસ.હોસ્પિટલમાં તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટની રહેમનજર હેઠળ ચાર વર્ષથી વિવિધ ફાર્મા કંપનીઓ તેમની નવી પ્રોડકટસનુ પરિક્ષણ દર્દીઓ ઉપર કરાતુ હતુ. આ કંપનીઓ તરફથી હોસ્પિટલને ફંડ પણ અપાયુ નહીં હોવાનો તપાસ દરમિયાન ઘટસ્ફોટ થવા પામ્યો છે.

2013માં બોગસ રસીદકાંડ પછીનુ મોટુ કૌભાંડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલ ખાતે વર્ષ-2013-14માં બોગસ રસીદકાંડ બહાર આવ્યુ હતુ. દર્દીઓ દ્વારા જમા કરાવવામાં આવતી રકમને ઓછી બતાવી આચરવામાં આવેલા આ બોગસ રસીદકાંડ સમયે પણ વી.એસ. હોસ્પિટલ તંત્ર તરફથી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં માત્ર જાણવા જોગ ફરિયાદ નોંધાવાઈ હતી. જે પછી બોગસ રસીદકાંડનો મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

બોર્ડ અધ્યક્ષ મેયરે પણ કૌભાંડ મામલે વધુ કહેવાનું ટાળ્યું

વી.એસ. મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ અને શહેરના મેયર પ્રતિભા જૈને ફાર્મા કંપનીઓ દ્વારા દર્દીઓ ઉપર પરીક્ષણને લઈ માત્ર એટલુ કહયુ, સંપૂર્ણ રીપોર્ટ આવશે પછી જવાબદારો સામે કાર્યવાહી કરાશે.

કલિનીકલ ટ્રાયલને લઈ મહત્વના સવાલ

૧.ચાર વર્ષથી ચાલતા આ ટ્રાયલ છતાં કોઈને ગંધ કેમ ના આવી?

૨.દવા કંપનીઓએ એચ.ઓ.ડી.,સુપ્રિટેન્ડન્ટ ની સહી વગર પેમેન્ટ ચૂકવ્યુ હોય ખરુ?

૩.સસ્પેન્ડ કરાયેલ વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ શા માટે નહીં?

૪.કરોડો રુપિયાનુ મ્યુનિસિપલ તિજોરીને નુકસાન કરનારા સામે પોલીસ ફરિયાદ કયારે થશે?

૫.માત્ર કોન્ટ્રાકટ ઉપર રહેલા તબીબોને શા માટે સસ્પેન્ડ કરાયા?

૬.છેલ્લા દસ વર્ષના એથિકલ કમિટીના હિસાબ કયા કારણથી તપાસાતા નથી?

૭.વી.એસ.સિવાય મ્યુનિ.ની અન્ય હોસ્પિટલમાં એથિકલ કમિટીની તપાસ કેમ કરાતી નથી?

૮.કેટલા દદીઓ ઉપર કેટલી દવાનુ પરીક્ષણ કરાયુ એની વિગત શા માટે છુપાવાય છે?

૯.કેટલા દર્દીઓને દવાની કંપનીઓ દ્વારા કેટલા રુપિયા ચૂકવાયા એ વિગત ઉપર પણ ઢાંકપિઢોડો કરવામાં આવ્યો.

૧૦.દર્દીઓને આપવામાં આવતી દવા કંપનીઓના નામ જાહેર કરાતા નથી.

Share This Article