1200થી વધુ લોકોને નકલી ડિગ્રી વેચી, સગીર પર પણ ગર્ભપાતનો આરોપ
સુરતઃ સુરત પોલીસે છેતરપિંડીના એક મોટા કેસનો પર્દાફાશ કર્યો છે જેમાં કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા રસેશ ગુજરાતી નામના વ્યક્તિ નકલી ડોક્ટરોના રેકેટનો માસ્ટર માઇન્ડ હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતી અને તેના 13 સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગુજરાતીએ છેલ્લા ઘણા વર્ષોમાં લગભગ 1200 લોકોને નકલી મેડિકલ ડિગ્રી વેચી છે. તે આ ડિગ્રીઓ ‘બોર્ડ ઓફ ઈલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન’ (BEHM)ના નામે ઈશ્યુ કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતી ડોક્ટર સુરત કોંગ્રેસ સેલના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ગુજરાતી પર 2017માં સગીરનો ગર્ભપાત કરવાનો આરોપ છે. આ કેસમાં તે જેલ પણ જઈ ચૂક્યો છે.
ગુજરાતી વેબસાઈટ દ્વારા લોકોને નકલી ડીગ્રીઓ વેચતો હતો. તેના બદલામાં તે મોટી રકમ લેતો હતો. તેણે માત્ર ડિગ્રીઓ જ વેચી ન હતી પરંતુ રજિસ્ટ્રેશન અને રિન્યુઅલના નામે પૈસા પણ લીધા હતા. જેઓએ પૈસા આપવાનો ઈન્કાર કર્યો હતો તેમને ધમકી આપવામાં આવી હતી.
સુરતની પાંડેસરા પોલીસે ગુજરાતી અને તેના સાગરિતોના મકાનમાં દરોડા પાડી મોટી માત્રામાં નકલી ડિગ્રી, દસ્તાવેજો અને રોકડ રકમ મળી આવી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે છેતરપિંડી અને અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.