ગાજર કાચા કે બાફેલા કેવી રીતે ખાવાથી શરીરને વધુ વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ્સ મળે છે?
ગાજર વિવિધ પોષક તત્વોથી ભરપૂર કંદમૂળ છે જેનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે. ગાજર કાચા, બાફીને, સલાડમાં, જ્યુસ કે હલવો બનાવી અને વિવિધ શાકભાજીમાં મિક્સ કરીને ખાઇ શકાય છે.
ગાજર એક એવું કંદમૂળ છે, જેનું સલાડ, સબ્જી અને જ્યુસ બનાવી સેવન કરી શકાય છે. ગાજર પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે, જેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે. ગાજરના પોષક તત્વોની વાત કરીએ તો તેમા વિટામિન એ, વિટામિન કે1, વિટામિન સી, વિટામિન બી6, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ, ઓછી કેલરી અને પાણી હોય છે. તેમાં નેચરલ સુગર હોય છે જે શરીરને ભરપૂર એનર્જી આપે છે.
જો શિયાળામાં ગાજરનું સેવન રોજ કરવામાં આવે તો આંખોની રોશની વધી જાય છે અને પાચનક્રિયા સ્વસ્થ રહે છે. ગાજર ત્વચાને સ્વસ્થ રાખવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે. ગાજરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું પૌષ્ટિક ગાજર કાચા ખાવાથી કે બાફીને કેવી રીતે ખાવાથી સ્વાસ્થ્યને વધારે ફાયદો થાય છે.
ગાજરના પોષક તત્વોની વાત કરવામાં આવે તો કાચા અને બાફેલા બંને ગાજર ખૂબ જ સારા હોય છે, પરંતુ તે બાફીને ખાવાથી વધારાના ફાયદા મળી શકે છે. ન્યૂટ્રિશનિસ્ટના કહેવા મુજબ જો તમે ગાજર બાફો છો તો તમારા શરીરને વધુ ફાયદા મળે છે. આવો જાણીએ કેમ ગાજર બાફીને ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે.
ગાજર બીટા કેરોટિન થી ભરપૂર
ગાજરમાં બીટા કેરોટિન ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં વિટામિન એ માં પરિવર્તિત થાય છે. આ શાક રાંધવાથી તેના કોષની સખત દિવાલો તૂટી જાય છે, જેનાથી શરીરને બીટા-કેરોટીનનું શોષણ કરવામાં સરળતા રહે છે. 2002માં સંશોધકોને જણાયું હતું કે બાફેલા ગાજર ખાવાથી ખરેખર તમારા શરીરમાં જે બીટા-કેરોટિન શોષાય છે તેની માત્રામાં વધારો થાય છે. તે આંખની રોશની, ત્વચા અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ ફાયદાકારક છે.
બાફેલું ભોજન પચવામાં સરળ
ગાજર બાફવાથી તેના તંતુઓ નરમ પડે છે, જે સંવેદનશીલ પેટવાળા કોઈપણ વ્યક્તિ માટે જીવનરક્ષક બની શકે છે. જે લોકોનું પાચનતંત્ર સારું નથી હોતું તેઓ ગાજરને પણ સરળતાથી પચાવી શકે છે.
ગાજર પોષક તત્વોથી ભરપૂર
રાંધવાથી વિટામિન સીનું સ્તર થોડું ઓછું થઈ શકે છે, પરંતુ તે શરીરને પોષણ આપતા લાઇકોપીન જેવા એન્ટીઓકિસડન્ટોની ઉપલબ્ધતામાં વધારો કરે છે. બાફવાથી ગાજરમાં રહેલી નેચરલ સુગર પણ ઓછી થઈ જાય છે.
ગાજર વિવિધ રીતે ખાઇ જાય છે
ગાજરનું સેવન ઘણા ખોરાક સાથે જોડીને વધારી શકાય છે. ગાજરને સૂપ, સ્ટૂ અને શેકેલા શાકભાજીના મિશ્રણ જેવી વિવિધ વાનગીઓમાં સામેલ શકાય છે. ગાજરને આર્યનયુક્ત અનાજ જેવા કે જુવાર સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે. તે ઘણા સંશોધનમાં સાબિત થયું છે કે બીટા કેરોટિનથી સમૃદ્ધ ગાજર આયર્નના શોષણમાં નોંધપાત્ર વધારો કરે છે.
ગાજર ખાવાના ફાયદા
ગાજર કાચું ખાવામાં કરકરું લાગે છે. તેમાં કુદરતી સ્વરૂપે સુગર હોય છે, આથી ડાયાબિટીસ દર્દીઓ પણ ખાઈ શકે છે. કાચા ગાજરમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે જે પાચનતંત્રને સુધારે છે. આ ગાજર ખાવાથી આંતરડા સ્વસ્થ રહે છે. કાચા ગાજરમાં ઉત્સેચકો હોય છે જે શરીરને ફાયદો કરે છે.