Natural Remedy for Diabetes: આજે ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પર પુરતું ધ્યાન રાખી શકતા નથી. અને પરિણામે પછી તેઓ અનેક પ્રકારના રોગનો શિકાર બને છે. વર્તમાન સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય રોગ બની ગયો છે. આ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ વધી જાય છે. ડાયાબિટીસને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતો નથી, પરંતુ તેના માટે યોગ્ય આહાર, નિયમિત કસરત અને દવાઓ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ખાનપાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. યોગ્ય આહાર માત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરતો નથી પણ શરીરને ઉર્જા પણ આપે છે. ફળોની વાત કરીએ તો ઘણા ફળો એવા છે જે ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, એ જાણવું મહત્ત્વપૂર્ણ છે, કે કયા ફળો બ્લડ સુગર વધારતા નથી અને કયા મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ. ચાલો આ ફળો વિશે વિગતવાર જાણીએ.
જાંબુ
ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. તેમાં રહેલા જામ્બોલિન અને જામ્બુસિન નામના કંપાઉન્ડ્સ બ્લડ સુગરને કંન્ટ્રોલમાં રાખે છે. તે ઇન્સ્યુલિનની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે અને સ્વાદુપિંડને સ્વસ્થ રાખે છે.
બેરી
બ્લુબેરી, સ્ટ્રોબેરી અને ચેરી જેવા તમામ પ્રકારના બેરી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક થઈ શકે છે. બેરી એક પ્રકારનું સુપરફૂડ છે, કારણ કે તેમાં એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર વધુ પ્રમાણમાં રહેલું છે.
જામફળ
જામફળમાં ભરપુર માત્રામાં ફાઇબર જોવા મળે છે. જેના કારણે બ્લડ સુગર ઝડપથી વધતી નથી. જામફળમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને એક્ટિવ રાખે છે.
કીવી
કીવીમાં વિટામિન સી ભરપુર માત્રામાં રહેલું છે. તેમાં કુદરતી એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર પણ રહેલા છે. જે બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે.
સંતરા
ડાયાબિટીસના દર્દીઓ માટે સંતરા એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આ ડાયાબિટીસના દર્દીઓની મીઠાઈની તૃષ્ણાને શાંત કરે છે. એવું કહી શકાય કે, કુદરતી મીઠાશ હોવા છતાં બ્લડ સુગર ઝડપથી વધતુ નથી. તેમાં સારી માત્રામાં ફાઇબર અને વિટામિન સી હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બની રહે છે.
પપૈયુ
ડાયાબિટીસના દર્દીઓ માટે પપૈયુ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે તેને દરરોજ ખાલી પેટ ખાશો તો તમારું પાચન સ્વસ્થ રહેશે અને તે ડાયાબિટીસને કન્ટ્રોલ નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.
કયા ફળો ટાળવા જોઈએ
ડાયાબિટીસના દર્દીઓએ કેળા, દ્રાક્ષ, કેરી અને અનાનસ જેવા મીઠા ફળોનું સેવન નિયત્રિત માત્રામાં કરવો જોઈએ. આમાં કુદરતી મીઠાશનું પ્રમાણ વધુ હોય છે.