Rose Tea Benefits: ઘરની સુંદરતા વધારવા માટે મોટાભાગે લોકો તેમના ઘરમાં ગુલાબનો છોડ ઉગાડતા હોય છે. આજકાલ ગુલાબ વિવિધ રંગોમાં મળી આવે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, ગુલાબ જોવામાં જેટલું સુંદર લાગે છે તેનાથી વિશેષ તે સ્વાસ્થ્ય માટે પણ વધુ ફાયદાકારક છે. તેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં પણ કરવામાં આવે છે. જેમ કે, મીઠાઈઓ સજાવવાથી લઈને ગુલકંદ બનાવવા અને તેની સૂકી પાંખડીઓમાંથી શરબત બનાવવા જેવી અનેક જગ્યાએ તેનો ઉપયોગ થતો રહે છે.
આ સિવાય ગુલાબનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ગુલાબની ચા પીવાથી સ્વાસ્થ્યમાં અનેક લાભ થાય છે? કદાચ તમારો જવાબ ના હશે, તો આ લેખ તમારા માટે ઉપયોગી છે. આજે આ લેખમાં અમે તમને ગુલાબી ચા પીવાના ફાયદાઓ વિશે જણાવીશું.
ગુલાબની ચામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, આયર્ન અને ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટ જોવા મળે છે. આ બધા પોષક તત્વો શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આ ચાનું નિયમિત સેવન કરવાથી વજન ઓછુ કરવામાં પણ મદદ મળી શકે છે. તેને કાશ્મીરી ચા અથવા બપોરની ચા તરીકે પણ ઓળખવામાં આવે છે.
પાચનક્રિયા સારી બનાવે છે
ગુલાબી ચામાં રહેલા એલચી અને તજ જેવા મસાલા પાચનમાં સુધારો કરે છે. તે ગેસ, અપચો અને પેટ ફૂલવું જેવી પેટની સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે.
સુંદરતામાં પણ કરે છે વધારો
ગુલાબને આયુર્વેદમાં પણ ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તે સુંદરતા વધારવામાં પણ લાભકારી છે. તે ત્વચાને યુવાન રાખે છે. જો તમે ગુલાબની ચા પીશો તો તમને કુદરતી ચમક મળી શકે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે.
રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ કરે છે
ગુલાબી ચામાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણ રહેલા છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આનાથી તમારું શરીર અનેક રોગો સામે લડી શકવામાં સક્ષમ રહે છે.
શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે
ગુલાબની ચાનું નિયમિતપણે સેવન કરવામાં આવે તો હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે. તે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. આ ઉપરાંત માનસિક શાંતિ અને સંતુલન પણ મહત્ત્વનું કામ કરે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
તણાવ ઓછો કરે છે
ગુલાબની ચામાં રહેલા એન્ટીઑકિસડન્ટ તણાવ ઘટાડવામાં મદદરુપ થાય છે. તે મૂડને ઉત્તેજિત કરે છે અને ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. વ્યસ્ત લાઈફ સ્ટાઈલમાં તણાવથી દૂર રહેવા માટે ગુલાબની ચા એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
હાડકાંને મજબૂત બનાવે છે
ગુલાબની ચામાં દૂધ ઉમેરવામાં આવે છે, જે તેને કેલ્શિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત બનાવે છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને ઓસ્ટીયોપોરોસિસ જેવા રોગોને અટકાવે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે
ગુલાબની ચામાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સી પાચનમાં સુધારો કરે છે અને મેટાબોલિઝ્મને વેગ આપે છે. તેમજ શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
કેવી રીતે બનાવશો હેલ્દી ગુલાબી ચા
અડધો કપ પાણી અને અડધો કપ દૂધ ઉમેરીને ઉકાળો. તેમાં થોડી સૂકી ગુલાબની પાંખડીઓ ઉમેરો અને થોડી વાર ધીમે ગેસ પર ઉકાળો. હવે તેને ઢાંકીને 5થી 7 મિનિટ માટે રાખો પછી તેને ગાળીને ગરમાગરમ પીવો.