આ રીતે બનાવશો મેથીના લાડુ તો જરા પણ નહીં લાગે કડવા, રોજ સવારે એક લાડુ ખાવાથી થશે અનેક ફાયદા
આજે તમને કડવા ન લાગે તેવા મેથીના લાડુ બનાવવાની પારંપરિક રીત જણાવીએ. આ રીતથી તમે ઘરે મેથીના લાડુ બનાવીને રાખી શકો છો. નિયમિત રીતે એક લાડુ ખાઈ લેવાથી પણ તમારું શરીર નિરોગી રહે છે.
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ મોસમમાં તાપમાનમાં સતત વધારો ઘટાડો થતો રહે છે. આવી સ્થિતિમાં જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો વારંવાર શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ થવા લાગે છે. એટલા માટે જ શિયાળો શરૂ થાય એટલે કેટલીક વસ્તુઓનું સેવન કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. ખાસ કરીને કેટલાક શિયાળુ પાક શરીર માટે ઔષધી જેવું કામ કરે છે. આવા જ શિયાળુ પાકમાંથી એક છે મેથીના લાડુ. શિયાળામાં જો તમે મેથીના લાડુ ખાવાનું રાખો છો તો તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેનાથી રોગપ્રતકારક શક્તિ મજબૂત રહે છે.
જોકે મેથીનું નામ આવે એટલે લોકોના મનમાં વિચાર આવે કે મેથીના લાડુ પણ કડવા જ લાગતા હશે તો તેને કેવી રીતે ખાઈ શકાય. પરંતુ કડવી મેથીના લાડુને જો તમે આ રીતે ઘરે બનાવશો તો જરા પણ કડવા નહીં લાગે. આજે તમને કડવા ન લાગે તેવા મેથીના લાડુ બનાવવાની પારંપરિક રીત જણાવીએ. આ રીતથી તમે ઘરે મેથીના લાડુ બનાવીને રાખી શકો છો. નિયમિત રીતે એક લાડુ ખાઈ લેવાથી પણ તમારું શરીર નિરોગી રહે છે.
મેથીના લાડુ બનાવવાની સામગ્રી
મેથીના લાડુ બનાવવા માટે તમને સુકી મેથી, ઘી, દૂધ, મખાણા, અખરોટ, કાજુ, બદામ, ગુંદ, મગજતરીના બી, તલ, સૂંઠ, કાળા મરી, વરિયાળી, ખસખસ, એલચી, ગોળ અને સૂકા નાળિયેરની જરૂર પડશે.
મેથીના લાડુ બનાવવાની રીત
સૌથી પહેલા મેથીને મિક્સર ગ્રાઈન્ડર માં કરકરી પીસી લેવી. હવે એક વાસણમાં દૂધ ગરમ કરવા મુકો. તમે જેટલી મેથી લીધી હોય તેના કરતાં બમણું દૂધ લેવાનું છે. દૂધ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે ઉકાળેલું દૂધ ઠંડુ પડે એટલે તેમાં મેથીનો પાઉડર મિક્સ કરીને આ મિશ્રણને લગભગ છ થી સાત કલાક માટે ઢાંકીને રાખી દો.
સાત કલાક પછી દૂધ અને મેથી બરાબર રીતે મિક્સ થઈ જશે અને મેથી ફૂલી જશે. હવે એક વાસણમાં ચારથી પાંચ ચમચી ઘી ગરમ કરી તેમાં બધા જ ડ્રાયફ્રુટ ઉમેરીને ધીમા તાપે શેકી લો. ડ્રાયફ્રુટ શેકાઈ જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવા દો ત્યાર પછી ઘીમાં ગુંદને શેકી.
ફરીથી કઢાઈમાં પાંચ ચમચી ઘી ઉમેરો અને તૈયાર કરેલા મેથી દૂધના મિશ્રણને ઉમેરીને ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી શેકો. ધીમા તાપે શેકતા રહેશો એટલે મેથીની કડવાશ ઓછી થવા લાગશે. હવે આ મિશ્રણમાં સૂંઠ, કાળા મરી, વરિયાળી અને એલચી પાવડર ઉમેરો. જ્યારે મિશ્રણમાંથી ઘી છૂટું પડે તો તેમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રુટ અને ગુંદ ઉમેરી દો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં તલને પણ ગ્રાઇન્ડ કરીને ઉમેરી દો. બધી જ વસ્તુને બરાબર હલાવતા રહો. છેલ્લે તેમાં ગોળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જ્યારે તેલ છૂટું પડવા માંડે એટલે મેથીના મિશ્રણને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો. થોડીવાર પછી આ મિશ્રણમાંથી નાના નાના લાડુ બનાવીને સ્ટોર કરી લો.