Bangladeshi Model and Honey Trap News : બાંગ્લાદેશની મોડેલ અને મિસ અર્થ મેઘના આલમની સાઉદીના પૂર્વ રાજદૂતને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશના સ્પેશિયલ પાવર કાયદા હેઠળ તેની ધરપકડ કરાઇ હતી બાદમાં તેની સામે હની ટ્રેપનો કેસ દાખલ કરાયો હતો. જોકે મેઘના આલમે આ તમામ આરોપોને જુઠા ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે પૂર્વ રાજદૂત મારી સાથે પરણવા માગતા હતા. પણ તે પહેલાથી જ પરણિત હોવાથી મે લગ્નની ના પાડી હોવાથી હવે મને ફસાવાઇ રહી છે.
મેઘના આલમને ઢાકાની કોર્ટમાં રજુ કરવામાં આવી હતી, જે દરમિયાન પોલીસે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે મેઘના આલમ, દીવાન સમીર અને બે ત્રણ અન્ય લોકોએ વિદેશી રાજદૂતો (ડિપ્લોમેટ્સ)ને હની ટ્રેપમાં ફસાવવામાં સામેલ છે. પોલીસનો ઇશારો સાઉદીના ડિપ્લોમેટ્સ તરફ હતો. સાથે દાવો કર્યો હતો કે દેશની સુરક્ષામાં અવરોધ પેદા કરવા અને નાણાકીય હિતોનું નુકસાન પહોંચાડવા બદલ મેઘના આલમની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ મેઘના આલમે દાવો કર્યો હતો કે આ વિદેશી રાજદૂત મારી સાથે લગ્ન કરવા માગતો હતો, લગ્ન કરવાની ના પાડી તેથી ખોટા કેસમાં ફસાવીને મારી ધરપકડ કરાઇ છે.
મેઘનાના પિતા બદરુલ આલમે પણ દાવો કર્યો હતો કે આ વિદેશી રાજદૂત અને મારી પુત્રી વચ્ચે સંબંધો હતા, જોકે મારી પુત્રીએ લગ્ન કરવાની ના પાડી તેથી તેની ધરપકડ કરવામાં આવી છે. આ રાજદૂત પહેલાથી જ પરણિત છે તેથી તેની સાથે લગ્નની મેઘનાએ ના પાડી હતી. જ્યારે પોલીસનો આરોપ છે કે મેઘનાએ હની ટ્રેપમાં ફસાવીને આ વિદેશી રાજદૂતને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને આશરે 43 કરોડ રૂપિયા લૂટવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં મેઘનાએ ફેસબુક પર દાવો કર્યો હતો કે આ રાજદૂત ઇસ્સા યૂસુફ ગેરઇસ્લામિક કામોમાં જોડાયેલા છે. હું તેની સાથે સંબંધમાં હતી. તેવો ખુલાસો પણ મેઘનાએ ઢાકાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કર્યો હતો.