Bengal Teacher Recruitment Scam: પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં મંગળવારે (આઠમી એપ્રિલ) મમતા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોલકાતા હાઇકોર્ટના ચુકાદાના એક ભાગને રદ કર્યો હતો. જેમાં બંગાળ સરકાર દ્વારા સરકારી અને સહાયક શાળાઓમાં વધારાના શિક્ષકોની નિમણૂક કરવાના નિર્ણયની સીબીઆઇ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો
સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કર્યું કે 25,753 શિક્ષકોની નિમણૂક અને પશ્ચિમ બંગાળમાં રાજ્ય સંચાલિત અને સહાયિત શાળાઓમાં કર્મચારીઓની નિમણૂક સંબંધિત અન્ય પાસાઓની CBI તપાસ કોલકાતા હાઇકોર્ટના નિર્દેશ મુજબ ચાલુ રહેશે.
પશ્ચિમ બંગાળ શિક્ષણ વિભાગે SSC ભરતી માટે લગભગ 6,000 વધારાની જગ્યાઓ બનાવી હતી. આ નિર્ણયને રાજ્ય મંત્રીમંડળે પણ મંજૂરી આપી હતી. કોલકાતા હાઇકોર્ટે કહ્યું હતું કે, ‘વધારાની ખાલી જગ્યાઓ બનાવવાનો નિર્ણય યોગ્ય નથી. જો જરૂરી હોય તો, સીબીઆઇ કેબિનેટ સભ્યોની અટકાયત કરી શકે છે અને તેમની પૂછપરછ કરી શકે છે.’ બંગાળ સરકારે હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટે 25000 શિક્ષકોની નિમણૂક ગેરકાયદે જાહેર કરી
ત્રીજી એપ્રિલના રોજ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે 25.753 શિક્ષકો અને કર્મચારીઓની નિમણૂકને રદબાતલ જાહેર કરી હતી અને સમગ્ર પસંદગી પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી હતી.