Bihar Bridge News: નીતિશ કુમારના ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા વચ્ચે બિહારમાં બ્રિજ ધસી પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે, જે મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ છે. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે જ્યારે ઘટના બને ત્યારે અધિકારીની ટ્રાન્સફર કરાય છે બાદમાં તેને પાછા બોલાવી લેવાય છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ પીઆઇએલમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરમાં બિહારમાં પુલ ધસી પડવાની 300 જેટલી ઘટનાઓ સામે આવી ચુકી છે. લોકોની સુરક્ષાને સરકાર જોખમમાં મુકી રહી છે. આ દરમિયાન સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેંચે અવલોકન કર્યું હતું કે બ્રિજ જ્યારે પડી જાય છે ત્યારે જવાબદાર અધિકારીની ટ્રાન્સફર કરી દો છો બાદમાં જ્યારે બધુ શાંત પડી જાય ત્યારે આ જ અધિકારીને પાછા બોલાવી લો છો. અમને ખ્યાલ છે કે તમે શું જવાબ રજુ કર્યો છે અને બિહારમાં તમે કઇ કઇ યોજનાઓ ચલાવો છો.
આ અવલોકન ત્યારે કર્યું હતું જ્યારે બિહાર સરકારે પોતાના બચાવમાં સરકારી યોજનાઓની એક યાદી સુપ્રીમ કોર્ટને સોંપી હતી. બાદમાં મુખ્ય ન્યાયાધીશની બેંચે કહ્યું હતું કે અમે સરકારનો જવાબ વાંચ્યો છે, અમે આ મામલાને પટના હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે હવે આ મામલે પટના હાઇકોર્ટમાં પીઆઇએલની સુનાવણી કરવામાં આવશે. પીઆઇએલમાં માગણી કરવામાં આવી છે કે તમામ ઇમારતોનું ઓડિટ થવું જોઇએ, સાથે જ એક પેનલની રચના કરવામાં આવે કે જે નબળા બ્રિજની ઓળખ કરે અને તેના સમારકામ કરવા કે તેને પાડી દેવાનો રિપોર્ટ સરકારને સોંપે. બિહારમાં સૌથી વધુ પૂરની ઘટનાઓ સામે આવે છે. એવામાં બ્રિજ તુટી પડવાની ઘટનાથી લોકો વધુ મુશ્કેલીમાં મુકાય છે.