જૂનાગઢઃ ગિરનાર નેચર સફારી પાર્ક ચોમાસા દરમિયાનના ચાર મહિના માટે બંધ સફારી પાર્ક ચોમાસું પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત બાદ આવતીકાલથી ફરી શરૂ થશે. સિંહ સહિતનાં વન્યપ્રાણીઓનું વેકેશન 15મી ઓકટોબરે પૂર્ણ થનાર છે. જેથી 16મી ઓક્ટોબરથી નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. દિવાળી વેકેશનમાં સિંહ દર્શન માટે સાસણ જંગલ સફારી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી 16મી ઓક્ટોબરથી લઈને દિવાળી વેકેશન સુધી તમામ પરમીટ આત્યારથી બુક થઈ ગઈ છે.
16થી 15મી ઓક્ટોબર સુધી ચાર મહિના સુધી બંધ સાસણગીર અભ્યારણ્ય 16મી ઓક્ટોબરથી શરૂ થવાનો છે. ત્યારે શરૂ થવાના પ્રથમ દિવસથી છેક 8મી નવેમ્બર સુધીની તમામ પરમિટ આત્યારથી જ બુક થઈ ગઈ છે. દરરોજ ત્રણ ટાઈમ સફારી થાય છે. જેમા પહેલી સફારી સવારે 6.30 વાગ્યાની આસપાસ, બીજી સફારી નવ વાગ્યાની આસપાસ ત્યાર બાદ ત્રીજી સફારી બપોરના 3.30 વાગે છેલ્લી સફારી માટે પ્રવાસીઓને રવાના કરવામા આવે છે. એકવારની સફારી માટે 50 સહિત ત્રણ સફારી માટે 150 પરમીટ કાઢવામાં આવે છે. તહેવારો કે રજાના દિવસે વન વિભાગ દ્વારા 180 પરમીટ કાઢવામાં આવે છે.
આ વર્ષે અહીં ખૂબ જ સારો વરસાદ થયો છે અને પ્રકૃતિ સોળે કળાએ ખિલી છે. જોકે બીજી બાજુ રસ્તાઓનું ધોવાણ પણ એટલું જ થયું છે. જોકે પ્રવાસીઓને આ કંઈ નડતું નથી. આથી દર દિવાળીએ અહીં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. વેકેશનનો લાભ લઈ આસપાસના રિસોર્ટ પણ સારી એવી કમાણી કરી લે છે. પ્રવાસીઓની આ જરૂરિયાતને જોઈ ગુજરાત ટૂરિઝમના નામે નકલી વેબસાઈટ પણ ખુલ્લી મૂકાયાના અહેવાલો હતા. આથી પ્રવાસીઓએ સતર્કતા રાખવી.